દેશની સંપત્તિને નુક્સાન થાય તે ચલાવી ન લેવાય: સુપ્રીમ કોર્ટ

Friday 26th February 2016 01:42 EST
 
 

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પર દેશદ્રોહનો આરોપ મૂકતી એફઆઇઆર રદ કરવાની માગ કરતી અરજીની ૨૪મી ફેબ્રુઆરીએ સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે દેશમાં આંદોલનો દરમિયાન જાહેર સંપત્તિને થતાં નુકસાન સામે લાલ આંખ કરી છે. સુપ્રીમે આકરું વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, આંદોલનો દરમિયાન દેશને બાનમાં લઇ શકાય નહીં. અદાલત આંદોલનોમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો સામે પગલાં લેવા માર્ગદર્શિકા અને નુકસાન ભરપાઇ કરવાની જવાબદારી નક્કી કરવા માપદંડો ઘડશે.

જસ્ટિસ જે. એસ. કેહરના નેતૃત્વ ધરાવતી પેનલે આ કેસની સુનાવણીમાં જણાવ્યું હતું કે, આંદોલનોમાં જાહેર સંપત્તિને થતાં નુકસાનના મુદ્દે વિચારણા બાદ આ નિર્ણય કર્યો છે કે આંદોલનકારીઓ દેશ અથવા તો નાગરિકોની સંપત્તિને નુકસાન કરી શકે નહીં. બેન્ચના ન્યાયાધીશ સી નાગપ્પને જણાવ્યું હતું કે, અમે આ મામલે કાયદાકીય દૃષ્ટિએ મક્કમ છીએ અને આ પ્રકારના કૃત્યો આચરનારાઓ સામે પગલાંની માર્ગદર્શિકા પણ તૈયાર કરીશું. જસ્ટિસ પેનલે જણાવ્યું હતું કે, દેશે જાણવું જોઇએ કે આ પ્રકારના હિંસક આંદોલનોના કેવાં પરિણામો આવી શકે છે. આવા કૃત્યો પછી પરિણામ ભોગવવા પણ તૈયાર જ રહેવું પડશે પછી તે ભાજપ, કોંગ્રેસ અથવા તો કોઇના પણ દ્વારા શરૂ કરાયેલું આંદોલન કેમ ન હોય. આવી પરિસ્થિતિ ઊભી કરનારાને ભાન કરાવવું જ જોઇએ કે સરકારી સંપત્તિને નુકસાન માટે તેમને જવાબદાર ઠેરવી શકાય છે.

ગુજરાતમાં અનામત આંદોલન દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે દેશદ્રોહનો કેસ નોંધાયો હતો. હાર્દિકે સુપ્રીમમાં અરજી કરીને પોતાની સામેની એફઆઇઆર રદ કરવાની માગ કરી હતી.

એના જવાબમાં એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે તેની સામેની એફઆઇઆરને પડકાર આપ્યો છે, પણ તેની સામે અદાલતમાં ચાર્જશીટ પણ દાખલ થઇ ગઇ છે. તેથી તેને પડકારતી અરજીની સુનાવણી સુપ્રીમમાં થઇ શકે નહીં. જવાબમાં પેનલે જણાવ્યું હતું કે, અરજકર્તા ચાર્જશીટ માટે નહીં, પરંતુ જામીન માટે વધુ ચિંતિત છે. રોહતગીએ દલીલ કરી હતી કે, હાર્દિકની જામીન અરજીઓ સેશન્સ કોર્ટમાં પડતર છે. ત્યારબાદ પેનલે હાર્દિકના કેસની સુનાવણી હાલ પૂરતી મોકૂફ રાખતાં જણાવ્યું હતું કે, અદાલતે જાહેર સંપત્તિના નુકસાનના વ્યાપક મુદ્દા પર માર્ગદર્શિકા બનાવવાનો નિર્ણય લીધો છે.

પાટીદાર આંદોલનમાં જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું હતું

ગુજરાતમાં પાટીદાર સમુદાયને અનામતની માગ સાથે હાર્દિક પટેલના નેતૃત્વમાં જુલાઇ ૨૦૧૫માં શરૂ કરાયેલું આંદોલન ૨૫મી ઓગસ્ટ બાદ હિંસક બન્યું હતું. સમગ્ર રાજ્યમાં આંદોલનકારીઓએ હિંસા આચરતાં સરકારી અને ખાનગી સંપત્તિઓને ભારે નુકસાન થયું હતું. જેના લીધે પોલીસે હાર્દિક પટેલ અને સાથીઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. આ આંદોલનમાં ગુજરાત સરકારની સંપત્તિઓને નિશાન બનાવાઇ હતી.

હરિયાણામાં જાટ આંદોલનને કારણે અબજો રૂપિયાનું નુકસાન

પાટીદાર આંદોલન હરિયાણામાં જાટ અનામત આંદોલન ભડકી ઉઠ્યું છે અને હરિયાણામાં અનામતની માગ સાથે સડકો પર ઉતરેલા જાટ સમુદાયે જાહેર અને ખાનગી સંપત્તિઓને આગચંપી, તોડફોડ અને લૂંટફાટથી અબજો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. એસોચેમના એક દાવા પ્રમાણે જાટ આંદોલનને પગલે ઉત્તર ભારતના રાજ્યોમાં વેપાર ઉદ્યોગને રૂ. ૩૪,૦૦૦ કરોડનું નુકસાન થયું હતું. દેશમાં બનતી આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમે આકરા નિર્ણયો લેવાનું નક્કી કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter