નવી દિલ્હી: દિવાળીના તહેવારો પૂર્ણ થવા સાથે જ દેશમાં લગ્નની સિઝન ચાલુ થઈ ગઇ છે. લગ્નની સિઝન આ વર્ષે બે મહિના સુધી ચાલવાની છે જેને પગલે દેશના અર્થતંત્રને પણ સારો એવો વેગ મળશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)નું માનવું છે કે ભારતમાં 12 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલનારી આગામી લગ્નસિઝનમાં લગભગ 48 લાખ લગ્ન થવાની અપેક્ષા છે. આ લગ્ન મારફત 5.9 લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર જનરેટ થઈ શકે છે. આ દિવસોમાં માત્ર દિલ્હીમાં જ 4.5 લાખ લગ્ન મારફત રૂ. 1.5 લાખ કરોડનો બિઝનેસ જનરેટ થવાનું અનુમાન છે.
મેક ઈન ઈન્ડિયા ઈમ્પેક્ટ દેખાશે
આ લગ્નોમાં વિદેશી સામાનની તુલનાએ ભારતીય ઉત્પાદનોની ધૂમ મચવાની અપેક્ષા છે. આર્થિક નિષ્ણાતો કહે છે કે આ લગ્નોમાં મેક ઈન ઈન્ડિયા ઇમ્પેક્ટ જોવા મળે તેવી અપેક્ષા છે. દેશભરના વ્યાપારીઓએ બે મહિના સુધી ચાલનારી આ સિઝન માટે અભૂતપૂર્વ વ્યાપારી ઉછાળાને પહોંચી વળવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્રે નોંધનીય છે કે પાછલા વર્ષે આ સિઝનમાં લગ્ન માટે 11 શુભ તારીખો હતી. જેની સરખામણીએ આ વર્ષે 18 તારીખ મળી છે.
એક લગ્નમાં અંદાજે કેટલો ખર્ચ?
CAITએ અનુમાન લગાવ્યું છે કે આ સિઝન દરમિયાન દેશભરમાં 10 લાખ લગ્નમાં સરેરાશ 3 લાખ રૂપિયાનો ખર્ચ થશે. લગભગ 10 લાખ લગ્નમાં સરેરાશ 6 લાખનો ખર્ચ થશે. 10 લાખ લગ્ન એવા હશે કે જેમાં સરેરાશ રૂ. 10 લાખનો ખર્ચ કરવામાં આવશે. 10 લાખ લગ્ન એવા થશે કે જેમાં સરેરાશ 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. લગભગ 7 લાખ લગ્ન એવા હશે કે જેમાં સરેરાશ 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. દેશમાં 50 હજાર લગ્ન એવા પણ થશે કે જેમાં રૂ. 50 લાખથી વધુનો સરેરાશ ખર્ચ કરવામાં આવશે જ્યારે અન્ય 50 હજાર લગ્નમાં એક કરોડ કે તેથી વધારે નાણાંનો ખર્ચ થવાની અપેક્ષા છે.