દાદરીના બિસાહડા ગામમાં ગૌમાંસ ખાવાની અફવા અંગે મોહમ્મદ અખલાકની હત્યા પછી આખા દેશમાં અંગે યુદ્ધ છેડાયું છે. આ દરમિયાન નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે આંકડા જાહેર કર્યા છે, જે અનુસાર દેશમાં ૮ કરોડ લોકો બીફ ખાય છે. દેશની કુલ વસતીના હિસાબે જોઈએ તો દર ૧૩ ભારતીયોમાંથી એક ભારતીય બીફ ખાય છે.
એસએસઓના આંકડા જાતિઅનુસાર જોવામાં આવે તો દેશમાં ૧ કરોડ ૨૬ લાખ હિન્દુ, ૬ કરોડ ૩૫ લાખ મુસ્લિમ, ૬૫ લાખ ખ્રિસ્તી અને ૯ લાખ અન્ય ધર્મોના લોકો બીફ ખાય છે. બીફનો વપરાશ સૌથી વધુ મેઘાલયમાં થાય છે. જે પછી લક્ષદ્વીપ, નાગાલેન્ડ, સિક્કિમ અને જમ્મુ કાશ્મીરનો નંબર આવે છે. જ્યારે છત્તીસગઢમાં સૌથી ઓછો વપરાશ થાય છે, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદર નગર હવેલીમાં બીફનો વપરાશ થતો નથી.
૨૦૧૧ના આંકડા અનુસાર ભારતમાં બીફની નિકાસ ઝડપથી વધી રહી છે. ૨૦૧૧માં ૩૩ લાખ ટન બીફ ઉત્પાદન થતું હતું. જેમાં ૨૦ લાખ ટન દેશમાં અને બાકીનું નિકાસ થતું હતું. જ્યારે ૨૦૧૫માં ૪૨ લાખ ટન ઉત્પાદન થયું છે. જેમાં ૨૨ લાખ ટન દેશમાં ઉપયોગ થાય છે અને બાકીના ૨૦ લાખ ટન નિકાસ કરવામાં આવે છે.