સ્વાઇન ફ્લૂને કારણે વધુ ૨૦ લોકોનો મોત થયા છે. આથી ૩૧ માર્ચ સુધીમાં સ્વાઇન ફ્લૂને કારણે થયેલ કુલ મૃત્યુઆંક વધીને ૨૦૮૪ થયો છે અને હજી પણ એચ૧એન૧ વાઇરસથી ૩૪,૨૪૦ લોકો અસરગ્રસ્ત છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં સ્વાઇન ફ્લૂથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત ગુજરાતમાં કુલ ૪૩૩ લોકોનો મોત થયા છે. જાન્યુઆરીથી ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કુલ ૬,૫૨૮ કેસો નોંધાયા છે.
મારન બંધુઓની રૂ. ૭૪૨ કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઇઃ એન્ફોર્સમેન્ટ ડારેક્ટોરેટ (ઇડી) દ્વારા એરસેલ-મેક્સિસ સોદામાં મની લોન્ડરિંગની તપાસમાં પૂર્વ ટેલિકોમ પ્રધાન દયાનિધિ મારન, તેમના ઉદ્યોગપતિ ભાઈ કલાનિધિ અને પરિવારના અન્ય સભ્યોની રૂ. ૭૪૨.૫૮ કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઇ હતી. તેમાં ફિક્સ ડિપોઝીટ અને મ્યુચ્યુઅલ ફન્ડમાં કરાયેલ રોકાણ પણ સામેલ છે. ઇડીએ છેલ્લા કેટલાક સમયમાં મારન બંધુઓની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મોટાભાગની સંપત્તિ સન ટીવીના એમડી કલાનિધિ મારનની છે. કલાનિધિના પત્ની કાવેરીની કેટલીક સંપત્તિ પણ કબ્જે લેવાઈ છે.
ડો. મનમોહન સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળીઃ કોલ બ્લોક ફાળવણી કૌભાંડમાં પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહને ટ્રાયલ કોર્ટે પાઠવેલાં સમન્સ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવતાં તેમને મોટી રાહત મળી હતી. કોલ બ્લોકની ફાળવણી સમયે કોલસા મંત્રાલયનો હવાલો વડા પ્રધાન સંભાળતા હતા. જસ્ટિસ વી. ગોપાલ ગોવડાનાં નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે ૨૦૦૫માં ઓરિસ્સાના તાલાબીરા કોલ બ્લોકની ફાળવણી સાથે સંબંધિત કેસમાં હિન્દાલ્કોના ચેરમેન કુમારમંગલમ્ બિરલા, પૂર્વ કોલસાસચિવ પી. સી. પારખ સહિત અન્યો સામેના ટ્રાયલ કોર્ટનાં સમન્સ પર રોક લગાવી છે. કેસમાં છ પિટિશનોની એક સાથે સુનાવણી હાથ ધરતાં બેન્ચે ટ્રાયલ કોર્ટની તમામ કાર્યવાહી પર રોક લગાવી છે. ગયા સપ્તાહમાં કેસમાં આરોપી તરીકે પાઠવાયેલાં સમન્સને રદ કરવા મનમોહનસિંહ સહિતના અન્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
હવે મનીઓર્ડરને બદલે ઇન્સ્ટન્ટ મનીઓર્ડર સેવાઃ ટપાલ વિભાગે અંદાજે ૧૩૫ વર્ષથી અપાતી મનીઓર્ડર સેવા ૧ એપ્રિલથી બંધ કરી છે અને તેના બદલે ઇન્સ્ટન્ટ મનીઓર્ડરસેવા શરૂ કરી છે. આ નવી સેવા હેઠળ નાણાં મોકલવા માટે કોઈ પણ પોસ્ટ ઓફિસ પર જાય તેને એક કોડનંબર આપવામાં આવે છે. જે નંબર બીજી પાર્ટીને ફોન કરીને જણાવવાનો હોય છે, તે પછી તે વ્યક્તિ પોસ્ટઓફિસમાં કોડ જણાવીને નાણાં મેળવી શકે છે. મનીઓર્ડરસેવા હેઠળ પોસ્ટ ઓફિસમાં નાણાં અને કમિશન જમા કરાવીને જે વ્યક્તિને નાણાં મળવાનાં છે તેનું સરનામું આપતા હતા. આ સરનામાની સૌથી નજીકની પોસ્ટઓફિસ ટપાલ દ્વારા નાણાં મોકલતી હતી. શહેરોની સાથે ગ્રામીણ પ્રદેશમાં મોબાઈલ બેન્કિંગથી લઈને ઇન્ટરનેટ બેન્કિંગ સક્રિય હોવાથી મનીઓર્ડર સેવા બંધ કરવામાં આવી છે. પોસ્ટ વિભાગે અગાઉ ટેલિગ્રાફસેવા પણ બંધ કરી છે.