નવી દિલ્હીઃ દુનિયાભરમાં મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો હતો. આ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંડીગઢમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સહિત ૩૦ હજારથી વધુ લોકો સાથે યોગાસન કર્યા હતા. ભારતની હજારો વર્ષપુરાણી યોગ-સંસ્કૃતિને વૈશ્વિક ખ્યાતિ અપાવનાર વડા પ્રધાને લોકોને દેશવ્યાપી સંબોધન કરતા હાકલ કરી કતી કે તન-મનની સુખાકારી માટે મોબાઇલ ફોનની જેમ જ યોગને આપણા જીવનમાં સામેલ કરી લેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીના સક્રિય પ્રયાસો થકી જ યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરાયો છે.
વડા પ્રધાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે આવતા વર્ષથી યોગ ક્ષેત્રે બે એવોર્ડ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. પહેલો પુરસ્કાર આંતરરાષ્ટ્રીય સ્તરે યોગના પ્રચાર-પ્રસાર માટે પ્રશંસનીય કામગીરી કરનાર વ્યક્તિ કે સંસ્થાને અર્પણ થશે. બીજો એવોર્ડ ભારતમાં યોગના ક્ષેત્રે નોંધનીય કામ કરનારી વ્યક્તિ કે સંસ્થાને અપાશે. વિજેતાઓની પસંદગી એક સમિતિ દ્વારા થશે.
મંગળવારે ૨૧ જૂને લંડનથી માંડીને મેલબોર્ન સુધી બધે જ યોગમય માહોલ સર્જાયો હતો. દ્વિતીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વિશ્વના ૧૯૧ દેશો સામેલ થયા હતા. ભારતના છેવાડાના ગામડાંથી માંડીને પાટનગર દિલ્હી અને વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય દૂતાવાસોમાં યોગ સંબંધિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં લાખો કરોડો લોકો જોડાયા હતા. દેશના મહાનગરોમાં યોજાયેલા કાર્યક્રમોમાં કેન્દ્રીય પ્રધાનો હાજર રહ્યા હતા. જ્યારે વિવિધ રાજ્યોના પાટનગરમાં મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં યોગ કાર્યક્રમ યોજાયા હતા.
વડા પ્રધાને કહ્યું હતું કે દુનિયાભરમાં યોગ જનઆંદોલનનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. દુનિયાના લગભગ તમામ દેશ પોત-પોતાના સમયની સગવડતા પ્રમાણે યોગ કાર્યક્રમ સાથે જોડાયા છે. યોગ દિવસને વિક્સિત અને વિકાસશીલ તમામ દેશોનું સમર્થન મળ્યું છે.
તેમણે કહ્યું હતું કે દુનિયામાં કોઇ જીવન વિમો નિઃશુલ્ક નથી હોતો, પરંતુ યોગ આપણને નિઃશુલ્ક જીવન વિમો આપે છે. આ અવસરે તેમણે ડાયાબિટિસને નિયંત્રણમાં લાવવા માટે પણ યોગની જરૂરત હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે યોગાસન એક રીતે જીવન અનુશાસનનું ઉદાહરણ છે. યોગ મુક્તિનો માર્ગ છે. તે કોઈ ધાર્મિક કર્મકાંડ નથી, પરંતુ વધુ સારા જીવન માટેની ટ્રેનિંગ છે. યોગ અમીર-ગરીબ, વિદ્વાન-અભણમાં ભેદ નથી કરતો, કોઈ પણ યોગ કરી શકે છે.
તેમણે કહ્યું હતું કે યોગ માટે બસ હાથ ફેલાવવાની જગ્યા જોઈએ. તેનાથી તન-મન તંદુરસ્ત રહે છે. તેમણે કહ્યું કે યોગ એક સરળ, સસ્તો અને દરેક માટે ઉપલબ્ધ માર્ગ છે. તે નાસ્તિક અને આસ્તિક સહુ કોઇ માટે છે.
યોગ માત્ર એક ક્રિયા નથી, પરંતુ શરીરને સ્વસ્થ રાખવાની વિધિ છે. અત્યારની દોડધામભરી લાઈફથી આપણે આપણાથી જ દૂર થતા જઈએ છીએ ત્યારે યોગ એક એવું માધ્યમ છે જે આપણને પોતાની જાત સાથે જોડે છે.
યોગ કરવાથી આપણે ખુશ રહી શકીએ છીએ. યોગ યુવાઓ માટે એક રોજગારીની તક ઉપલબ્ધ કરાવવાનું સાધન બની રહ્યું છે. તે અબજો રૂપિયાનો વેપાર કરાવે છે. અનેક ચેનલ સંપૂર્ણ રીતે યોગ માટે સમર્પિત છે.
આ અવસરે વડા પ્રધાને રાષ્ટ્રીય યોગ એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય યોગ એવોર્ડની જાહેરાત કરી. તેના માટે એક જ્યુરી બનાવવામાં આવશે. આ એવોર્ડ આગામી વર્ષથી શરૂ થશે.
વિશ્વમાં યોગની બોલબાલા
યોગ માટેની પ્રીતિનો અનુરાગ ભારતમાં જ નહીં, પણ વિદેશોમાંય જોવા મળ્યો હતો. લંડનથી માંડીને મેલબોર્ન સુધી હજારો યોગપ્રેમીઓ ચટાઈ બિછાવીને જટિલ યોગ ક્રિયાઓ કરવામાં વ્યસ્ત જોવા મળ્યા. લંડનમાં ભારતીય દૂતાવાસ અને પર્યટન વિભાગના કાર્યાલયે રવિવારે બ્રિટનની ૧૪ યોગ સંસ્થાઓ સાથે મળીને યોગનું આયોજન કર્યું હતું.
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં પણ તમામ ધર્મ અને જાતિના સેંકડો લોકો યોગ કરવા પહોંચ્યા હતા. ભારતના રાજદૂત અને વાણિજ્ય દૂતાવાસોએ પ્રિટોરિયા, કેપટાઉન અને જોહાનિસબર્ગમાં કેટલાક સંગઠનો સાથે મળીને યોગ કાર્યક્રમ યોજ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન માલ્કમ ટર્નબુલે કહ્યું કે યોગ તે ભારત તરફથી વિશ્વને મળેલી ભેટ છે. ચીનમાં પણ ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા. વુક્સી શહેરમાં આયોજિત સૌથી મોટા કાર્યક્રમમાં ૩૫ હજાર લોકો જોડાયા હતા. અમેરિકી કોંગ્રેસની લોનમાં પણ ભારતીય નૃત્યો અને યોગાસન પ્રદર્શન સાથે યોગ દિવસ કાર્યક્રમનું આયોજન થયું હતું.
યુએન હેડ ક્વાર્ટર ઝળાહળા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વસંધ્યાએ યુનાઇટેડ નેશન્સ (યુએન)ના હેડ ક્વાર્ટર ઉપર રોશની વડે યોગમુદ્રાની તસવીર રજૂ કરાઇ હતી. જ્યારે દિલ્હીમાં વડા પ્રધાન મોદીએ સૂર્ય નમસ્કાર ઉપર ટપાલટિકિટનું વિમોચન કર્યું હતું. યુએનમાં ભારતના રાજદૂત સૈયદ અકબરૂદ્દીને ટ્વિટ કર્યું હતું કે, યુએનમાં યોગ રોશન થઈ રહ્યું છે. યોગ દિવસને લઈને યુએન હેડ ક્વાર્ટર બિલ્ડિંગ, ન્યૂ યોર્કમાં ખાસ રીતે યોગની મુદ્રાનો પ્રચાર કરાયો હતો.
૨૧ જૂને યોજાયેલા યોગ દિવસ સમારોહમાં યુએન જનરલ એસેમ્બલીના અધ્યક્ષ મોરગેન્સ લેક્તોફ્ત, અંડર સેક્રેટરી ક્રિસ્ટીના ગલાચ અને ઈશા ફાઉંડેશનના સંસ્થાપક તથા આધ્યાત્મિક સદગુરુ જગ્ગી વાસુદેવ હાજર રહ્યા હતાં. અહીં સદગુરુ જગ્ગી વાસુદેવે યોગ સમારોહનું નેતૃત્વ કર્યું હતું. સમારોહમાં બ્રિટનની જાણીતી સિંગર તાન્યા વેલ્સ સંસ્કૃત શ્લોકોની સંગીતમય રજૂઆત કરી હતી. અકબરૂદ્દીને જણાવ્યું હતું કે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સ્વાસ્થ્ય માટે યોગનો અભ્યાસ ખૂબ જરૂરી છે.