શ્રીનગર: કાશ્મીરમાં પ્રવાસીઓની જંગી સંખ્યા જોઈને અહીં ટેન્ટ કોલોનીઓ શરૂ થઈ છે. ખીણની હોટેલમાં આશરે 50 હજાર રૂમ છે, જે બધા જ અત્યારે ફૂલ છે. અનેક પ્રવાસન સ્થળોની હોટલોમાં તો ઓક્ટોબર સુધી 100 ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. રાજ્ય સરકારે 25 હજાર ટેન્ટ લગાવવાની યોજના બનાવી છે. અને આમાંથી ત્રણ હજાર ટેન્ટ તો લગાવી દેવાયા છે.
રાજ્યના પ્રવાસન વિભાગનું કહેવું છે કે બે મહિનામાં તમામ ટેન્ટ લગાવી દેવાશે. તે તમામ સુવિધાઓથી સજ્જ હશે. આ ટેન્ટ કોલોનીઓ સુંદર સ્થળોએ, ઘાસનાં મેદાનોમાં કે નદીકિનારે બની રહ્યા છે. ખીણમાં એવાં પણ પ્રવાસન સ્થળો છે, જ્યાં હોટેલ સુવિધા ભાગ્યે જ છે. જેમ કે, કુપવાડા જિલ્લામાં સરહદ નજીક આવેલી બંગસ ખીણમાં હોટેલો નથી. અહીં 70 ટેન્ટ લગાવાયા છે. એ જ રીતે, ગુલમર્ગ, સોનમર્ગ, કંગન, પહલગામ, તંગમરગ, મામર, ગુરેઝ, બાંદીપોરામાં વગેરેમાં પણ ટેન્ટ સુવિધા ઊભી કરાઈ છે. ટેન્ટનાં ભાડાં પણ વાજબી છે. લક્ઝુરિયસ ટેન્ટમાં દિવસનું ભાડું મહત્તમ રૂ. ત્રણ હજાર હોય છે, જ્યારે સામાન્ય ટેન્ટ માત્ર રૂ. 500 મળે છે. નોંધનીય છે કે પહેલી જાન્યુઆરીથી 30 જૂન સુધી દસ લાખ પ્રવાસી કાશ્મીર ખીણની મુલાકાત લઈ ચૂક્યા છે. ફક્ત છ મહિનામાં આટલા બધા પ્રવાસીઓ ભૂતકાળમાં ક્યારેય આવ્યા નથી.
વર્ષ 2012માં અહીં 13 લાખ પ્રવાસી આવ્યા હતા, જે એક રેકોર્ડ હતો. જોકે આ વર્ષની શરૂઆતનો ટ્રેન્ડ કહે છે કે આ વખતે પાછલા તમામ રેકોર્ડ તૂટી શકે છે.