નકલી ડિગ્રીધારક દિલ્હીના કાયદા પ્રધાન રિમાન્ડ પર

Tuesday 09th June 2015 13:52 EDT
 

નવી દિલ્હી: નકલી ડિગ્રી મુદ્દે મંગળવારે ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલ સરકારના કાયદા પ્રધાન જિતેન્દ્ર તોમરને દિલ્હીની કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. બીજી તરફ કોર્ટના આ નિર્ણય પર આમ આદમી પાર્ટીના નેતા આશુતોષ અને કુમાર વિશ્વાસે કહ્યું કે તેઓ કોર્ટના નિર્ણયનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય સામે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું. નકલી ડિગ્રીના આ કેસમાં જિતેન્દ્ર તોમરની ગ્રેજ્યુએશન અને એલએલબીની ડિગ્રી પર વિવાદ છે. કોર્ટમાં તોમરના વકીલ એચ એસ ફુલ્કાએ કહ્યું કે, દિલ્હી પોલીસનો કેસ આરટીઆઈ દ્વારા મેળવાયેલી માહિતી પર આધારિત છે. આરટીઆઈમાં જે રોલ નંબરનો ઉલ્લેખ કરાયો હતો, તે જિતેન્દ્ર તોમરનો ન હતો. પરંતુ કોર્ટે તેમની આ દલીલ સ્વીકારી નહીં.

એક તરફ તોમર પોતાની ડિગ્રીને સાચી જણાવે છે, ત્યારે ભાગલપુર યુનિવર્સિટીનું કહેવું છે કે, તોમરની એલએલબીની ડિગ્રી તેણે આપી નથી. તોમરના મામલે બાર કાઉન્સિલે પણ તપાસની રજૂઆત કરી હતી. પરંતુ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, તોમર વિરુદ્ધ કેન્દ્ર સરકારના કહેવાથી દિલ્હી પોલીસ કાર્યવાહી કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter