ઉફા (રશિયા)ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સમોવડિયા નવાઝ શરીફના આમંત્રણને માન આપીને આવતા વર્ષે પાકિસ્તાનના પ્રવાસે જશે. રશિયામાં આયોજિત શાંઘાઈ કો-ઓપરેશન (એસસીઓ) સમિટ દરમિયાન ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઇ હતી. જેમાં વડા પ્રધાન શરીફે તેમને પાકિસ્તાનના યજમાનપદે યોજાયેલી ‘સાર્ક’ સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.
એસસીઓની સમાંતરે યોજાયેલી આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સાથે બેઠક યોજીને મુંબઈ હુમલાની કાર્યવાહી વધુ ઝડપી બનાવવા જણાવ્યું હતું. અને શરીફે પણ આ માટે સંમતિ દર્શાવી છે. આ સાથે જ બન્ને દેશો છેલ્લાં ઘણાં સમયથી ખોરવાઈ ગયેલી શાંતિમંત્રણા યોગ્ય દિશામાં આગળ વધારવા માટે પણ પણ સહમત થયા છે. મોદી અને શરીફ વચ્ચે આશરે એક વર્ષ પછી મહત્ત્વની દ્વિપક્ષીય મંત્રણા થઈ છે. બંને દેશોના વડાએ લગભગ એક કલાક સુધી આતંકવાદથી લઈને પ્રવાસન સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.
બન્ને દેશોના વડા પ્રધાનો વચ્ચેની આ મુલાકાત બાદ ભારતના વિદેશ સચિવ એસ. જયશંકર અને પાકિસ્તાનના વિદેશ સચિવ એઝાઝ અહેમદ ચૌધરીએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. આ સંયુક્ત નિવેદન પ્રમાણે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સલાહકાર સરતાજ અઝીઝ આતંકવાદ મુદ્દે ચર્ચા કરવા માટે નવી દિલ્હીમાં એક મહત્ત્વની બેઠકનું આયોજન કરશે. આ ઉપરાંત મુંબઈ હુમલાની ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે, જેમાં પાકિસ્તાન દ્વારા વોઈસ સેમ્પલ સહિતના મહત્ત્વા પુરાવા પણ ભારત સરકારને સોંપવામાં આવશે.
આ બેઠકમાં વડા પ્રધાન મોદીએ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ‘સાર્ક’ સમિટનું આમંત્રણ પણ સ્વીકાર્યું હતું. જો વડા પ્રધાન મોદી વર્ષ ૨૦૧૬માં પાકિસ્તાન જશે તો તેઓ ૧૨ વર્ષમાં પાકિસ્તાનની મુલાકાતે જનારા પહેલાં વડા પ્રધાન બનશે. આ પહેલાં જાન્યુઆરી ૨૦૦૪માં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા.
છેલ્લે મોદી અને શરીફે મે ૨૦૧૪માં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. એ વખતે નવાઝ શરીફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારંભમાં હાજરી આપવા મોદીના આમંત્રણથી નવી દિલ્હીના મહેમાન બન્યા હતા. જોકે, આ પછી નવેમ્બર ૨૦૧૪માં કાઠમંડુમાં આયોજિત ‘સાર્ક’ સમિટમાં બંને દેશના વડાઓએ ઔપચારિક વાતચીત પણ ભાગ્યે જ કરી હતી.
જોકે, શાંઘાઈ કો-ઓપરેશન સમિટ દરમિયાન બન્ને નેતાઓએ મંત્રણા કરી હતી, જેમાં આતંકવાદને લગતી ચર્ચા મુખ્ય હતી. જેમાં બન્ને વડાઓએ સ્વીકાર્યું હતું કે, શાંતિ જાળવવી અને વિકાસને ઉત્તેજન આપવું એ બંને સરકારોની સંયુક્ત જવાબદારી છે. આ જવાબદારીને પરિપૂર્ણ કરવા બંને દેશોએ તમામ સ્તરે ચર્ચા કરવા પણ સહમતિ સાધી હતી.