દક્ષિણના રાજ્ય તેલંગણમાં પદયાત્રા દરમિયાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મોદીના ‘અચ્છે દિન’ તેમના મિત્રો અને નજીકના બિઝનેસમેન માટે છે. તેલંગણમાં પદયાત્રા યોજીને ખેડૂતોની સમસ્યાઓ જાણવા અને ઉકેલવા રાહુલે અભિયાન હાથ ધર્યું છે. તેમણે અદીલાબાદમાં કોર્ટિકાલથી ૧૫ કિ.મી.ની પદયાત્રા કરી હતી. રાહુલે પાક નિષ્ફળ ગયા પછી દેવાદાર બનેલા પાંચ ખેડૂતોના પરિવારને સહાયપેટે રૂ. ૨ લાખના ચેક આપ્યા હતા.
જૂનથી કૈલાસ-માનસરોવર માટે નાથુલા માર્ગ શરૂ થશેઃ ચીનની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે જૂન મહિનાથી કૈલાસ-માનસરોવર માટેનો બીજો રૂટ કાર્યરત થશે, જેને પગલે વધુ ભારતીય યાત્રાળુ કૈલાસ માનસરોવરની મુલાકાતે જઈ શકશે. ભારત અને ચીન વચ્ચે ૨૪ કરાર થયા બાદ મોદીએ કહ્યું હતું કે આ માટે હું ચીનનો આભારી છું. નાથુલા પાસ સમુદ્રની સપાટીથી ૪,૦૦૦ ફૂટ ઉપર આવેલો છે. અત્યારે ભારતીયો ઉત્તરાખંડથી લિપુલેખ પાસથી કૈલાસ-માનસરોવરની યાત્રાએ જઇ શકે છે. ૨૦૧૩માં ઉત્તરાખંડમા પૂરે મચાવેલી તબાહીમાં આ માર્ગને વ્યાપક નુકસાન થયું હતું.
કેરળમાં બે દિવસ વહેલું ચોમાસું બેસશેઃ દેશમાં આ વર્ષે કેરળના દરિયાકાંઠે બે દિવસ વહેલું એટલે કે ૩૦ મેથી ચોમાસું શરૂ થશે તેવો ભારતીય હવામાન વિભાગનો વરતારો છે. કેરળમાં ચોમાસું ૩૦મેથી શરૂ થવાની આગાહીમાં ૩-૪ દિવસનો ફેરફાર થઈ શકે છે, આમ ચોમાસું તેના સામાન્ય સમયપત્રક કરતાં ૪ દિવસ વહેલું કે મોડું શરૂ થઈ શકે છે.
રણજિત સિંહા સામે તપાસ કરોઃ સુપ્રીમ કોર્ટે કોલગેટ અને ૨-જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડના આરોપીઓ સાથે સીબીઆઇના ભૂતપૂર્વ નિયામક રણજિત સિંહાની મુલાકાતને ‘અયોગ્ય’ ગણાવીને જણાવ્યું છે કે મામલાની તપાસ થવી જોઇએ. કેન્દ્રીય સતર્કતા પંચ (સીવીસી)ને કોર્ટની મદદ કરવા પણ જણાવ્યું છે. જસ્ટિસ મદન બી. લોકુરની અધ્યક્ષતાવાળી બેંચે જણાવ્યું હતું કે, આ આરોપોમાં દમ લાગે છે કે તપાસ અધિકારીઓની અનુપસ્થિતિમાં સિંહાએ આરોપીઓ સાથે મુલાકાત કરી હતી. સીવીસી સમગ્ર મામલાની તપાસ કરીને છઠ્ઠી જુલાઇએ કે તે પહેલાં પોતાનો રિપોર્ટ સુપરત કરે.