આના મૂળમાં છે તેમની સાદી, પણ પૌષ્ટિક ખાણીપીણી. નરેન્દ્ર મોદી ભલે દેશનું સુકાન સંભાળતા હોય, પણ તેમની ખાણીપીણીનું સુકાન બદ્રી મીણાના હાથમાં છે.
આથી જ બદ્રી મીણા વડા પ્રધાનના અંતરંગ વર્તુળના સભ્યોમાં સ્થાન ધરાવે છે. છેલ્લા ૧૩ વર્ષથી નરેન્દ્ર મોદીના જીવનનો હિસ્સો બની રહેલા બદ્રી મીણા વડા પ્રધાન માટે ભોજન તૈયાર કરે છે. બદ્રી મીણા માત્ર નરેન્દ્ર મોદીના કૂક જ નથી. વડા પ્રધાન સમયસર જમે અને પૌષ્ટિક ખોરાક ખાય એના પર પણ બદ્રી મીણા સતત નજર રાખે છે.
નરેન્દ્ર મોદી સપ્તાહમાં ત્રણ વાર તો ખીચડી જ ખાય છે. નાસ્તામાં સામાન્ય રીતે ઇડલી-ઢોસા આરોગે છે. મસાલા વિનાનાં શાક અને પરંપરાગત ગુજરાતી કઢીના તો તેઓ શોખીન છે. અઠવાડિયાના દરેક દિવસ માટે ભોજનનું નરેન્દ્ર મોદીએ એક મેનું બનાવ્યું છે અને એ મેનુની સંપૂર્ણ માહિતી બદ્રી મીણા પાસે હોય છે.
આથી જ વડા પ્રધાન વિદેશ પ્રવાસે જાય ત્યારે ૩૭ વર્ષના બદ્રી મીણા પણ એમની સાથે જનારી ટીમમાં અચૂક હોય છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને એમનાં પત્ની અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે એમને પીરસાયેલી ૧૫૦ ગુજરાતી વાનગીઓ બનાવવાની જવાબદારી બીજા કોઈ સિનિયર અધિકારીને નહીં, પણ બદ્રી મીણાને સોંપાઇ હતી. નરેન્દ્ર મોદીને બદ્રી મીણા પર કેટલો ભરોસો છે એની શાખ આ હકીકત પૂરે છે.
બદ્રી મીણા એમના ભત્રીજાઓ દિનેશ અને સૂરજ સાથે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બિલક ગામેથી વીસેક વર્ષ પહેલાં ગુજરાત આવ્યા હતા. અમદાવાદના ખાનપુરમાં આવેલી પ્રદેશ ભાજપની ઓફિસમાં ૧૫ વર્ષની વયે બદ્રી મીણાએ કામ કરવાનું શરૂ કર્યું હતું. એ ઓફિસમાં બદ્રી મીણાએ બનાવેલી દલિયા તથા ખીચડીનો સ્વાદ નરેન્દ્ર મોદીની દાઢે વળગ્યો હતો.
નરેન્દ્ર મોદી ૧૯૯૮માં ગુજરાતમાં ભાજપના મહામંત્રી બન્યા ત્યારથી બદ્રી મીણા એમના માટે જમવાનું બનાવે છે. ૨૦૦૧માં મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે બદ્રી મીણા એમને મળવા ગયા હતા. એ વખતે જ નરેન્દ્ર મોદીએ બદ્રી મીણાનો સમાવેશ પોતાના સ્ટાફમાં કરી લીધો હતો.