વોશિંગ્ટનઃ જૂન મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકી પ્રમુખ બરાક ઓબામા સાથેની દ્વિપક્ષીય મુલાકાત માટે અમેરિકા જશે. વડા પ્રધાન બન્યા બાદ મોદીની આ ચોથી અમેરિકાયાત્રા હશે. હજુ તેમના પ્રવાસ અંગે વધુ માહિતી જાહેર કરાઈ નથી, પરંતુ ૭-૮ જૂને મોદી અમેરિકાની મુલાકાત લેશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે મોદીના અમેરિકાપ્રવાસ દરમિયાન તેમને અમેરિકી સંસદનાં સંયુક્ત સત્રને સંબોધન કરવાનું આમંત્રણ આપવાની અમેરિકી સાંસદો દ્વારા માગ કરાઈ છે. ૨૧મી એપ્રિલે અમેરિકી સંસદની વિદેશ બાબતોની સમિતિના સાંસદોએ માગ કરી હતી કે, જૂનમાં મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન સંસદનાં સંયુક્ત સત્રમાં તેમનાં સંબોધનનું આયોજન કરાશે. સાંસદો એડ રોઇસ અને ઇલિયોટ એન્જલે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર પોલ રાયનને પત્ર લખી માગ કરી હતી કે, ભારત સાથે અનેક ક્ષેત્રમાં મજબૂત બની રહેલા સંબંધોને પગલે ભારતના વડા પ્રધાનને સીધા સાંભળવાની તક અમેરિકી સંસદને આપવી જોઈએ.
શું હશે મોદીની અમેરિકાયાત્રામાં?
મોદી અને ઓબામા વચ્ચે ઓસન ઇકોનોમી, સ્પેસ કોઓપરેશન, સાયબર સિક્યુરિટી અને ન્યુક્લિયર કોમર્સ જેવા મહત્ત્વના મુદ્દા પર વાતચીત થઈ શકે છે. મોદી આ મુલાકાતમાં નાસાની મુલાકાત લે તેવી પણ સંભાવના છે. મોદીની આ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ૬ પરમાણુ રિએક્ટરનાં નિર્માણ માટે અમેરિકાની વેસ્ટિંગહાઉસ ઇલેક્ટ્રિક અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વચ્ચે કરાર થઇ શકે છે.