લંડનઃ બ્રિટનના સમુદ્રીતટના કોર્નવોલ ક્ષેત્રના કાર્બિસ બે નગરમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે યોજાનારી જી-૭ બેઠક માટે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. બહુરાષ્ટ્રીય શિખર પરિષદમાં મહેમાન રાષ્ટ્ર તરીકે સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાની સાથોસાથ ભારતની પણ પસંદગી કરાઇ છે. જ્હોન્સને આ બેઠક અગાઉ જ ભારતની મુલાકાત લેવાનો મનસુબો પણ વ્યક્ત કર્યો હતો.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ભારતના ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે મુલાકાત લેવાના હતા પરંતુ, બ્રિટનમાં કોરોના વાઈરસના નવા વેરિએન્ટનું સંક્રમણ વધવાના પરિણામે ઈંગ્લેન્ડમાં લોકડાઉન લદાતા આ પ્રવાસ રદ કર્યો હતો. મોદી સાથે પ્રવાસ રદ કરવાની વાતચીત દરમિયાન પણ તેમણે જી-૭ બેઠકમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.
સૂચિત શિખર પરિષદ સંભવતઃ બે વર્ષમાં પહેલી વખત રુબરુ યોજાશે. વડા પ્રધાન મોદીએ અગાઉ ઓગસ્ટ ૨૦૧૯માં ફ્રાન્સના બિઆરિટ્ઝમાં આયોજિત જી-૭ સમિટમાં હાજરી આપી હતી. ૨૦૨૦ની સમિટ યુએસના યજમાનપદે યોજાવાની હતી પરંતુ, કોરોના મહામારીના કારણે તે રદ કરવામાં આવી હતી. ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા સાથેની સૂચિત બેઠકને D-10 અથવા તો ૧૦ લોકશાહી દેશોના નેતાઓની બેઠક તરીકે પણ ગણાવાઈ છે જેઓ, વિશ્વની લોકશાહીઓમાં જીવતી ૬૦ ટકાથી વધુ વસ્તીના પ્રતિનિધિ છે. આ વર્ષે યુકે જી-૭નું પ્રમુખપદ ધરાવે છે. મુખ્ય બેઠક અગાઉ, આર્થિક, પર્યાવરણીય, આરોગ્ય, વેપાર, ટેકનોલોજી, વિકાસ અને વિદેશનીતિના મુદ્દાઓ પર મિનિસ્ટર્સની બેઠકો પણ યોજાવાની છે.
યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકાને સમાવતું જી-૭ જુથ વિશ્વમાં એક શક્તિશાળી જુથ મનાય છે. આ એક ખુલ્લું ફોરમ છે જ્યાં વિશ્વના સૌથી શક્તિશાળી લોકો અને ખુલ્લા સમાજના પ્રતિનિધિઓ એકબીજાની નજીક આવી વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરે છે. આ વર્ષે કોરોના મહામારી પર જ મોટા ભાગે ચર્ચા થવાની શક્યતા છે.