મુંબઈઃ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નરેશ ગોયલની લાંબી પૂછપરછ કર્યા પછી પહેલી સપ્ટેમ્બરે ધરપકડ કરાઇ છે. કોર્ટે ગોયલના 11 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. ઈડીએ કોર્ટમાં કહ્યું હતું કે નરેશ ગોયલ અને પરિવાર દ્વારા જેટ એરવેઝને આપેલી લોનનો ઉપયોગ અંગત ખર્ચા માટે કર્યો હતો. લોનની રકમમાંથી નરેશ ગોયલ અને તેમની પત્નીએ ફર્નિચર તેમજ જ્વેલરી ખરીદી હતી. આમ લોનની રકમની હેરાફેરી કરીને દુરુપયોગ કરાયો છે. જેટ એરવેઝ દ્વારા રૂ. 1152.62 કરોડની લોન મેળવાઈ હતી. તેમાંથી રૂ. 420.43 કરોડ પ્રોફેશનલ અને કન્સલ્ટન્સી ફીના નામે ચૂકવાયા હતા. જોકે તેમાં કયા પ્રકારની સેવા મેળવાઈ હતી તેનો કોઈ ઉલ્લેખ નથી.
ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટની સ્પેશિયલ કોર્ટમાં જણાવ્યું હતું કે બેન્કોના કોન્સોર્ટિયમ દ્વારા જેટ એરવેઝને લોન પેટે રૂ. 1,152 કરોડ અપાયા હતા, પણ આ રકમનો કન્સલ્ટિંગ ફી માટે ખર્ચ કરાયો હતો. કંપની દ્વારા તેની માલિકીની બીજી કંપની જેટ લાઈટ ઈન્ડિયાને રૂ. 2,500 કરોડ અપાયા હતા, પણ આ રકમ પાછી લેવાઈ ન હતી કે વસૂલ કરાઈ ન હતી. ગોયલ પરિવાર દ્વારા રૂ. 9.46 કરોડનો પર્સનલ ખર્ચા માટે ઉપયોગ કરાયો હતો. ગોયલ અને તેમની પત્ની અનિતાએ તેમાંથી ફર્નિચર તેમજ જ્વેલરી ખરીદી હતી. ગોયલની પુત્રી નમ્રતા ગોયલ દ્વારા કેટલીક રકમ તેના નોકરોનો પગાર કરવા અને તેનાં પ્રોડક્શન હાઉસનાં સ્ટાફને પગાર ચૂકવવા કરાયો હતો.