નવી દિલ્હીઃ દેશમાં ગુરુવારથી શરૂ થયેલા અને દસ દિવસ સુધી ચાલનારા નવરાત્રિના તહેવારોનું ધાર્મિક મહત્વ તો છે જ, પરંતુ તે સાથે જ આ સમયગાળા દરમિયાન ધંધા-રોજગારને ફાયદો થતાં અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી - ‘કૈટ’)ના રાષ્ટ્રીય મહામંત્રી અને દિલ્હી ચાંદની ચોક બેઠકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે દિલ્હી સહિત ભારતભરના શહેરોમાં તહેવારોની ધૂમ રહેશે. દસ દિવસના નવરાત્રિ પર્વ, રામલીલા અને ગરબા ઉત્સવોમાં 50 હજાર કરોડ રૂપિયાનો વેપાર થશે. તેમણે કહ્યું કે માત્ર દિલ્હીમાં જ 8000 કરોડ રૂપિયાનો વેપાર થવાની સંભાવના છે. તહેવારો દરમિયાન બજારોમાં રોનક રહેશે અને વેપારીઓને લાભ થશે. અનેક લોકોને હંગામી રોજગાર પણ મળશે. ગયા વર્ષે નવરાત્રિના 10 દિવસ દરમિયાન રૂપિયા 35 હજાર કરોડનો વેપાર થયો હતો.
‘લોકલ ફોર વોકલ’ સૂત્ર સાકાર થશે
‘કૈટ’ના રાષ્ટ્રીય મહામંત્રી ખંડેલવાલે જણાવ્યું હતું કે તહેવારોમાં મોટેભાગે ભારતીય ઉત્પાદનોનું વેચાણ વધશે. ચીની સામાનથી લોકોને મોહભંગ થઇ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત પહેલે સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તા સુધારી છે. વિદેશી સામાન કરતાં હવે બહેતર ભારતીય ઉત્પાદનો મળતા થયા છે. દેશભરમાં નવરાત્રિ, ડાંડિયા- ગરબા, રામલીલા જેવા એક લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન થશે.
પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રીની વિશેષ માગ
ખંડેલવાલે કહ્યું કે તહેવારોમાં પરંપરાગત વસ્ત્રોની માગ વધશે. નવરાત્રિ - રામલીલા માટે પણ લોકો નવા વસ્ત્રો ખરીદતા હોય છે. પૂજન સામગ્રીની માગમાં પણ ઉછાળો આવશે. તહેવારો દરમિયાન ફળફૂલ, ફ્રુટ, નાળિયેર, દીપક, અગરબત્તી, મીઠાઇનો વપરાશ પણ
વધશે. તહેવારોમાં ફળફૂલની માગમાં ઉછાળો આવતો હોય છે. પૂજા પંડાલોને સજાવવા માટે શણગારની સામગ્રીનું વેચાણ પણ વધશે.