મુંબઇઃ દેશના દિગ્ગજ કોર્પોરેટ જૂથ રિલાયન્સમાં નવી પેઢીને નેતૃત્વ સોંપવાની દિશામાં પહેલું પગલું ભરાયું છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ જિઓના મેનેજિંગ ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું છે સાથે સાથે જ રિલાયન્સ જિઓના બોર્ડે કંપનીના ચેરમેનપદે આકાશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓ ઇન્ફોટેક લિમિટેડમાં મેનેજમેન્ટ લેવલ પર ધરખમ ફેરફાર થયા છે. સિક્યુરિટીસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇંડિયા (સેબી)ને આપવામાં આવેલી માહિતીમાં રિલાયન્સ જિઓએ જણાવ્યું છે કે 27 જૂન 2022ના યોજાયેલી બોર્ડની મીટિંગમાં રિલાયન્સ જિઓના બોર્ડે આકાશ અંબાણીને ચેરમેન બનાવવાની મંજૂરી આપી છે. જ્યારે મુકેશ અંબાણીએ 27 જૂનથી અમલી બને તે રીતે ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું છે.
પંકજ મોહન પવાર હવે મેનેજિંગ ડિરેક્ટર
પંકજ મોહન પવારને 27 જૂનથી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સોંપાયો છે. આવતા પાંચ વર્ષ સુધી પંકજ મોહન મેનેજિંગ ડિરેક્ટરના પદ પર કાર્યભાર સંભાળશે. રામિંદર સિંહ ગુજરાલ અને કે.વી. ચૌધરી, કંપનીના એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ પામ્યા છે. ‘સેબી’ને આપવામાં આવેલી માહિતી પ્રમાણે, કંપનીના મેનેજિંગ ડિરેક્ટરપદેથી મુકેશ ડી. અંબાણીએ 27 જૂન 2022થી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
જિઓની સફળતાના મૂળમાં ભાઇ-બહેનની જોડી
વર્ષ 2015માં તેમણે બહેન ઈશાની સાથે મળીને જિઓની 4જી સર્વિસની શરૂઆત કરી હતી. આકાશ અંબાણી જિઓ પ્લેટફોર્મ્સ, જિઓ લિમિટેડ, સાવન મીડિયા, જિઓ ઈન્ફોકોમ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે.
આકાશ અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. તેમનો શરૂઆતનો અભ્યસ મુંબઈની ચેમ્પિયન સ્કૂલમાં થયો. 2009માં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી આઈબી ડિપ્લોમા પ્રોગ્રામ પૂરો કર્યા પછી તેમણે 2013માં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી બિઝનેસ-કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું. તે પછી તેઓ ભારત આવીને ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયા.
2014માં તેમને રિલાયન્સ રિટેલ અને જિઓના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ કરાયા. તેઓ જિઓ ઈન્ફોકોમમાં સ્ટ્રેટેજી હેડ હતા. 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા. આકાશ 2020માં પિતા બન્યા હતા. તેમના દીકરાનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે.