નવી દિલ્હીઃ ઇન્ટેલિજન્સ બ્યૂરોની બે ફાઇલમાંથી બહાર આવ્યું છે કે, જવાહરલાલ નહેરુ સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિજનોની ૨૦ વર્ષ સુધી જાસૂસી કરાવી હતી. એક અંગ્રેજી સમાચારપત્ર મુજબ, આ ફાઇલ્સ નેશનલ આર્કાઇવ્ઝમાં છે અને તેમાંથી જાણી શકાય છે કે, ૧૯૪૮થી લઇને ૧૯૬૮ સુધી સતત બોઝ પરિવાર પર નજર રાખવામાં આવતી હતી. આ ૨૦ વર્ષોમાં ૧૬ વર્ષ સુધી નહેરુ વડા પ્રધાન હતા અને ઇન્ટેલિજન્સ બ્યૂરો સીધો તેમને રિપોર્ટ કરતું હતું.
બોઝ પરિવારે લખેલા પત્રો અથવા તો તેમના માટે આવેલા પત્રોની નકલ આઇબીના એજન્ટ્સ ઉતારી લેતા હતા, એટલું જ નહીં તેમની વિદેશયાત્રા દરમિયાન તેમનો પીછો થતો હતો. એજન્સી એ જાણવા માગતી હતી કે, બોઝના પરિવારજનો કોને મળે છે અને શું ચર્ચા કરે છે?
તો બીજી તરફ કોલકાતા હાઈ કોર્ટે મોદી સરકાર પાસે નેતાજીની ગુપ્ત ફાઇલોની વિગતો જાહેર નહીં કરવા અંગે સ્પષ્ટતા માગી છે અને આ ફાઇલો સાર્વજનિક નહીં કરવા પાછળનું કારણ જણાવવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આઇબીની ફાઇલ્સને નહિવત્ કિસ્સામાં ગોપનીય દસ્તાવેજોની શ્રેણીમાંથી હટાવવામાં આવે છે. આઈબીની આ ઓરિજિનલ ફાઇલ્સ હજુ પશ્ચિમ બંગાળ સરકાર પાસે છે.
નેતાજીના પરિજનોએ મોદી પાસે આ સમગ્ર કેસમાં ઉંડી તપાસની માગ કરી છે. બોઝના પ્રપૌત્ર ચંદ્ર બોઝે સ્પષ્ટતા કરી છે કે, તત્કાલીન પીએમ નહેરુના નિર્દેશ પર આ જાસૂસી થઈ હતી, કારણ કે, તેમને નેતાજીથી ડર લાગતો હતો. તેમને ડર હતો કે, નેતાજી ભારત પાછા ફરશે તો તેઓ તેમનાથી મોટા નેતા બની જશે. તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે, નેતાજીનું મૃત્યુ કોઈ પ્લેન અકસ્માતમાં નહોતું થયું. તેમણે એમ જણાવ્યું કે, આ કેસને લગતા તમામ દસ્તાવેજો સાર્વજનિક થવા જોઈએ.
ભાજપના પ્રવક્તા અને વરિષ્ઠ પત્રકાર એમ. જે. અકબરે આ મુદ્દે જણાવ્યું હતું કે, નેતાજીના પરિવારજનોની જાસૂસી થઈ રહી હોવાની વાતનું એક જ સ્પષ્ટીકરણ છે કે, કોંગ્રેસ સુભાષચંદ્રની ભારત વાપસીથી ડરેલી હતી. તેઓ હજુ જીવિત છે કે નહીં તે અંગે તત્કાલીન કોંગ્રેસ સરકાર પાસે સ્પષ્ટ માહિતી નહોતી. કોંગ્રેસ સરકારે વિચાર્યું હશે કે જો તેઓ જીવતા હશે તો કોલકાતામાં રહેતા તેમના પરિવાર સાથે સંપર્કમાં હશે.
બે ફાઇલ સળગાવી હતી
નહેરુનાં પુત્રી અને દેશનાં પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીનાં નેતૃત્ત્વવાળી કોંગ્રેસ સરકારે સ્વીકાર્યું હતું કે, નેતાજીનું મૃત્યુ થયું છે. આ સમયમાં સુભાષચંદ્ર બોઝ સાથે સંકળાયેલી બે ફાઇલો ગાયબ થઈ હતી અને તેમનાં મૃત્યુ સાથે સંકળાયેલી બે ફાઇલોને સળગાવવામાં આવી હતી.
એમઆઇ ૫ પાસે માહિતી માગી હતી
નહેરુ સરકારે ફક્ત નેતાજીના પરિજનોની જ જાસૂસી કરાવી નહોતી પરંતુ બ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઇ ૫ સાથે અત્યંત મહત્ત્વની માહિતીની આપ-લે પણ કરી હતી. તાજેતરમાં જાહેર થયેલા દસ્તાવેજો કહે છે કે ભારતની ગુપ્તચર સંસ્થા આઇબીએ નેતાજીના ગાઢ સહયોગી એસી નામ્બિયાર અને ભત્રીજા અમિયાનાથ બોઝ વચ્ચે થયેલા પત્રવ્યવહારની માહિતી સિક્રેટ સેન્સરશિપ અંતર્ગત મેળવી હતી અને આ મામલે વધુ માહિતીની માગ કરી હતી. બ્રિટિશ જાસૂસી સંસ્થા દ્વારા જાહેર કરાયેલા ગુપ્ત ભારતીય દસ્તાવેજોમાં જણાવાયું છે કે નહેરુએ નેતાજીના ભત્રીજાઓ અમિયા બોઝ અને શિશિરકુમાર બોઝ સહિતના પરિજનો પર નજર રાખવાની મંજૂરી હતી.
નેતાજીના ભત્રીજાના દીકરા ચંદ્રા કે. બોઝે મોદી સરકાર સમક્ષ નેતાજીની તમામ ગુપ્ત ફાઇલ જાહેર કરવા માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ પારદર્શક સરકારનું વચન આપ્યું છે. તેમણે પહેલ કરીને જાસૂસી અંગેના તમામ દસ્તાવેજો જાહેર કરવા જોઇએ.