વિશ્વની સાથે સાથે ભારતમાં પણ મોંઘવારીએ માઝા મૂકી છે અને લોકો માટે જીવનજરૂરી વસ્તુઓની ખરીદી પણ મુશ્કેલ બની છે ત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારામન શનિવારે ચેન્નાઈની મુલાકાત દરમિયાન અચાનક જ માયલાપુર બજારની મુલાકાતે પહોંચ્યાં હતાં અને એક સામાન્ય ગૃહિણીની જેમ શાકભાજી ખરીદ્યા હતાં. નાણાંમંત્રીના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો રવિવારે શેર થતાં જ અનેક લોકોએ જાણે શાકવાળાને કહેતા હોય તેમ ટ્વિટ કર્યું હતું કે નાણાંમંત્રી પાસેથી જીએસટી લેવાનું ચૂકતાં નહીં. ભારત સરકારે સોમવારથી આગામી બજેટ માટે તૈયારી શરૂ કરી છે ત્યારે લોકોને આશા છે કે નાણાંમંત્રીને શાકભાજી ખરીદી સાથે મોંઘવારીનો ખ્યાલ આવી ગયો હશે.