નવી દિલ્હીઃ નારાયણ સેવા સંસ્થાના દ્વારા તાજેતરમાં નવીદિલ્હીમાં આવેલા પંજાબી બાગના જન્માષ્ટમી પાર્કમાં ૨૫મો લગ્ન ઉત્સવ ગાજી ઊઠ્યો હતો. આર્થિક રીતે અક્ષમ અને શારીરિક વિકલાંગ ૧૦૧ યુગલોએ સંસ્થાની સહાયથી પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવમાં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના એક મુસ્લિમ યુગલના નિકાહ પણ પઢવામાં આવ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અને હર્ષોઉલ્લાસ સાથે સંપન્ન થયેલા આ સમૂહ લગ્નમાં બેંડવાજા સાથે અગ્રવાલ ધર્મશાળાએથી દરેક યુગલને બગીમાં બેસાડીને જન્માષ્ટમી પાર્કમાં લાવવામાં આવ્યા હતા અને વિવાહ સમારોહનો શુભારંભ સંસ્થાના સ્થાપક પદ્મશ્રી પ્રશાંત અગ્રવાલ, સહસંસ્થાપિકા કમલાદેવી તથા મુખ્ય અતિથિ ઓસીએલ ઇન્ડિયા લિ.ના ચેરમેન એમ એચ દાલમિયા, આભા દાલમિયા દ્વારા થયો હતો. આ સમૂહ લગ્નમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ ઝાઝુ, આઇપીએસ પંકજ મિશ્રા, ટેલિવિઝન કલાકાર પ્રવીણ કુમાર, શ્રીમદ્ ભગવતાચાર્ય સંજયકૃષ્ણ મહારાજ, સાધવી ઋચાશ્રી, સાધવી ચિત્રલેખાએ ગણપતિ પૂજનમાં ભાગ લીધો હતો. સમહ લગ્નના આગલા દિવસે યુગલોને શુકનની પીઠી ચોળવામાં આવી હતી. મહેંદીની વિધિ સાથે સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના કલાકારોએ પારંપરિક લગ્નગીતો પર નૃત્ય રજૂ કર્યું હતું. લગ્નોત્સવમાં નવપરણિત યુગલોએ કન્યાભ્રૂણની સુરક્ષા અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનો પ્રોત્સાહનના શપથ લીધા હતા.