નવી દિલ્હીઃ હેલ્ડ ટુ મેચ્યોરિટી (એચટીએમ) કેટેગરીમાં બોન્ડનાં વેચાણ અંગે નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)એ આઈસીઆઈસીઆઈને રૂ. ૫૮.૯ કરોડનો દંડ કર્યો છે. એચટીએમ પોર્ટફોલિયોમાંથી સિક્યોરિટીઝનાં સીધા વેચાણ અને આ સંદર્ભે ચોક્કસ માહિતી આપવા અંગે રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન નહીં કરવા બદલ આઈસીઆઈસીઆઈ બેન્કને દંડ કરાયો હોવાનો આદેશ ૨૬મી માર્ચે આપવામાં આવ્યો હતો.
રિઝર્વ બેન્ક દ્વારા જારી માર્ગદર્શિકાનાં પાલનમાં બેન્ક દ્વારા નિષ્ફળતાને પરિણામે રિઝર્વ બેન્કે પોતાના હસ્તકની સત્તાનો ઉપયોગ કરીને દંડ લાદ્યો હતો. માર્ગદર્શિકાનું પાલન નહીં કરવા બદલ બેન્કને આ પ્રકારે સૌપ્રથમ વાર દંડ કરાયો છે. વીડિયોકોન ગ્રૂપમાં લોન ફસાઈ હોવા અંગે તેમજ બેન્કના સીઈઓ તથા એમડી ચંદા કોચરના પતિની કંપની ન્યૂપાવર રિન્યુએબલ્સ સાથે હિતોના ટકરાવ અંગે આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા સ્પષ્ટતા કરાઇ તેના બીજા જ દિવસે રિઝર્વ બેન્કનું આ પગલું આવી પડયું હતું.