નિર્ભયા ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મુદ્દે BBCને કાનૂની નોટિસ

Wednesday 11th March 2015 09:21 EDT
 
 

નવીદિલ્હીઃ બ્રિટનની બીબીસી ચેનલે દિલ્હીના બહુચર્ચિત ગેંગરેપ કેસના આરોપીનો વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂ પ્રસારિત કરીને નિયમનું ઉલ્લંઘન કર્યું છે. ભારત સરકારની સલાહની અવગણના કરીને તે ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ ‘ઇન્ડિયાઝ ડોટર’ બ્રિટનમાં પ્રસારિત કરી તેનાથી નારાજ થયેલી કેન્દ્ર સરકારે ચેનલને ગત સપ્તાહે બીબીસીને કાનૂની નોટિસ મોકલી છે. બીજી બાજુ, સરકારે આ ફિલ્મ અપલોડ કરનાર વિડિયો શેરિંગ વેબસાઈટ યૂટ્યૂબને કહ્યું હતું કે આ ફિલ્મ ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેને તાત્કાલિક હટાવી લે. યૂટ્યૂબે તે અપીલનું માન જાળવીને તે વીડિયોને હટાવી લીધો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે અગાઉ કહ્યું કે, અમે બધી ચેનલોને જાણ કરી હતી કે તેમણે આ ફિલ્મને પ્રદર્શિત ન કરવી, પરંતુ બીબીસીએ તેને લંડનમાં પ્રસારિત કરી છે. હવે તેની સામે પગલું ભરવાની દિશામાં ગૃહ મંત્રાલય આગળ વધશે.
દરમિયાન, યૂટ્યૂબના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, માહિતી મેળવવી તે મુક્ત સમાજનો પાયો ગણાય એવું અમારું માનવું છે અને યૂટ્યૂબ જેવી સેવાઓ તો લોકોને તેમના વિચારો પ્રદર્શિત કરવા તથા વિવિધ મુદ્દાઓ પર અન્યોના મંતવ્યો ફેલાવવામાં મદદરૂપ થાય છે, તે છતાં જે માહિતી ગેરકાયદે હોય અથવા અમારા સમાજની માર્ગદર્શિકાની વિરુદ્ધની હોય એવી અમને ખાતરી થાય ત્યારે અમે એને દૂર કરવાનું ચાલુ રાખીશું.
દરમિયાન, કેન્દ્રના સંદેશાવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે બીબીસી ચેનલે કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો છે. તેણે સરકારની મંજૂરી લીધા વગર બળાત્કારીનો ઈન્ટરવ્યૂ પ્રસારિત કર્યો છે. ભારત સરકાર અખબારી સ્વાતંત્ર્યનો આદર કરે છે, પણ બીબીસી વર્લ્ડની ડોક્યૂમેન્ટ્રીના પ્રસારણ પર દિલ્હી હાઇ કોર્ટના આદેશાનુસાર પ્રતિબંધ મૂકાયો હતો.
બળાત્કારીને ૪૦ હજાર મળ્યા
આ ગેંગ રેપકાંડના એક બળાત્કારી મુકેશ સિંહના ઇન્ટરવ્યૂ અંગે તિહાર જેલના વિશ્વસનીય સૂત્રો કહે છે કે આ ઇન્ટરવ્યૂ માટે મુકેશ સિંહને રૂ. ૪૦ હજાર આપવામાં આવ્યા હતા. આ નાણાની ચૂકવણી બીબીસીની ડોક્યુમેન્ટરી બનાવનાર લેસ્લી ઉડવીનની કંપનીએ કરી હતી. આ માહિતી તિહાર જેલની તપાસમાં બહાર આવી છે. તિહાર જેલ તરફથી બીબીસી, લેસ્લી ઉડવીન અને સહનિર્માતા અંજલી ભૂષણને પણ નોટિસ આપવામાં આવી છે.
તિહાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૩માં મુકેશ સિંહનો ઇન્ટરવ્યૂ લેવા માટે લેસ્લી ઉડવીન દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ભારતે વૈશ્વિક આત્મહત્યા કરી
‘ઇન્ડિયાઝ ડોટર’ નામે બીબીસી માટે ડોક્યુમેન્ટરી બનાવનાર લેસલી ઉડવિન કહે છે કે દિલ્હીમાં ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ની રાત્રે થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના પર બનેલી દસ્તાવેજી ફિલ્મનું પ્રસારણ રોકીને ભારતે ‘આંતરરાષ્ટ્રીય આત્મહત્યા’ કરી છે. બીજી બાજુ, ડોક્યુમેન્ટરી પર લગાવાયેલા પ્રતિબંધ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં પ્રતિબંધને હટાવવાની માગ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter