ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ સોમવારે નેટ ન્યૂટ્રાલિટીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. ટ્રાઇના આ નિર્ણયથી ફેસબુકની 'ફ્રી બેઝિક્સ' અને એરટેલની 'એરટેલ ઝીરો' યોજનાઓને મોટો ફટકો પડયો છે.
સોમવારે ટ્રાઇએ જણાવ્યું હતું કે, ભારતમાં ઇન્ટરનેટ ડેટા માટે અલગ કિંમત હોઈ શકે નહીં. ટ્રાઇએ જાહેર કરેલા દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કોઈ પણ ઓફર દ્વારા અલગ-અલગ સર્વિસ માટે અલગ-અલગ ટેરિફ પ્લાન્સ જાહેર કરી શકશે નહીં.
• બોગસ નામે પેન્શન લેવાના કૌભાંડમાં રૂ. ૩૦૦ કરોડનો ગોટાળોઃ દિલ્હીની આપ સરકાર દ્વારા પેન્શનના નામે ચાલતા રૂ. ૩૦૦ કરોડના પેન્શન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ૩૮ હજાર લોકો દિલ્હી સરકાર પાસેથી બનાવટી રીતે પેન્શનનો લાભ લેતા હતા. આ કરોડોના પેન્શન કૌભાંડમાં મોટા ભાગના લોકો એવા હતા જેઓ દિલ્હીમાં રહેતા જ નથી અને તેમના નામે પેન્શનની ચુકવણી થઇ રહી હતી.
• બિહારમાં હનુમાનજીને જ નોટિસ, બાદમાં તંત્રે ભૂલ સ્વીકારીઃ બિહારના બેગુસરયા ડિસ્ટ્રિક્ટના એક સર્કલ ઓફિસર (સીઓ)એ ભગવાન હનુમાનજીને નોટિસ મોકલી છે. નોટિસમાં લખ્યું હતું કે તમારા મંદિરના કારણે રસ્તા પર વાહન વ્યવહારમાં મુશ્કેલી પડે છે. તમે મંદિર હટાવી લો. નોટિસ જોઈને બજરંગદળના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો છે. જોકે પરિસ્થિતિને વધુ વણસતી જોતાં સીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે હનુમાનજીને નોટિસ મોકલવાની આ ભૂલ કોનાથી થઈ છે તેની તપાસ કરવામાં આવશે અને યોગ્ય પગલાં પણ લેવામાં આવશે.
• શાહી ઇમામે મોદીને મળી કહ્યું કે, ISના નામે મુસ્લિમોને ના પકડોઃ આઇએસ સાથે સંબંધ હોવાના આક્ષેપો સાથે મુસ્લિમ યુવાનોની થઈ રહેલી અટકાયતો અંગે ચિંતા જાહેર કરતાં જામા મસ્જિદના શાહી ઇમામ અહમદ બુખારીએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. શાહી ઇમામે માગણી કરી હતી કે ઇસ્લામિક સ્ટેટ સામે લડતના નામે નિર્દોષ મુસ્લિમોની ધરપકડ ના થવી જોઈએ. બુખારીએ જણાવ્યું હતું કે ત્રાસવાદના આક્ષેપ સાથે સંખ્યાબંધ મુસ્લિમ યુવાનો જેલમાં સબડી રહ્યા છે. શાહી ઇમામના કાર્યાલયે જણાવ્યા મુજબ આવી અટકાયતો પાછળ પારદર્શકતા હોવી જોઈએ.