આઝમગઢ: નેતાજી સુભાષચંદ્ર બોઝના અંતેવાસી અને તેમના ડ્રાઇવર કર્નલ નિઝામુદ્દીન ૧૧૬ વર્ષની ઉંમરે બેંકમાં ખાતું ખોલાવીને સમાચારોમાં ચમક્યા છે. કર્નલ નિઝામુદ્દીન ઉર્ફે સૈફુદ્દીને બેંકખાતું ખોલાવવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રજૂ કરેલા તેમનાં મતદાર ઓળખકાર્ડ અને પાસપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષ ૧૯૦૦માં તેમનો જન્મ થયો હતો. આ હકીકત કહે છે કે કર્નલ નિઝામુદ્દીન વિશ્વની સૌથી મોટી વયની વ્યક્તિ છે. રવિવારે તેમની ઉંમર ૧૧૬ વર્ષ ત્રણ મહિના અને ૧૪ દિવસ થઈ હતી.
મજાની વાત એ છે કે કર્નલ નિઝામુદ્દીનનાં પત્ની અજબુનિશા ૧૦૭ વર્ષનાં થયાં છે અને બંનેએ સ્ટેટ બેંકમાં સંયુક્ત ખાતું ખોલાવ્યું છે. સ્થાનિક અને જિલ્લા વહીવટીતંત્ર પણ વિશ્વના સૌથી મોટી વયના વૃદ્ધ તેમની નજીક જ જીવી રહ્યા છે તે જાણીને ખુશ થયા હતા.
સૈફુદ્દીનનો પુત્ર અક્રમ જણાવે છે કે, પિતાને સ્વાતંત્રતા સેનાનીનો દરજ્જો અપાવવા માટે તેમણે ખૂબ પ્રયાસ કર્યા હતા. નિઝામુદ્દીન ઉંમરના આખરી તબક્કે પહોંચ્યા ત્યાં સુધી રાજ્ય કે કેન્દ્ર સરકારે તેમની વાત પર ધ્યાન ના આપ્યું. જિલ્લા કલેક્ટરે આશ્વાસન આપ્યું છે કે નિઝામુદ્દીનને પેન્શન મળે તે માટે તેઓ પ્રયાસ કરશે.