પોખરા (નેપાળ)ઃ ‘સાર્ક’ દેશોની ૩૭મી મંત્રી-સ્તરીય શિખરવાર્તા દરમિયાન ગુરુવારે નેપાળના પોખરામાં ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વડા પ્રધાન વિદેશી બાબતોના સલાહકાર સરતાઝ અઝીઝ વચ્ચે મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાતથી ફરી એક વખત બન્ને દેશો વચ્ચેના તનાવપૂર્ણ સંબંધમાં સુધારો થવાનો આશાસ્પદ માહોલ સર્જાયો છે. આ મુલાકાત દરમિયાન સુષ્મા સ્વરાજે પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ બેઠકમાં ભારત-પાકિસ્તાનના વડા પ્રધાનો - નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ વચ્ચે મહિનાના અંતે અમેરિકામાં મુલાકાત યોજવાનો તખતો ગોઠવાયો હોવાનું મનાય છે.
નેપાળમાં યોજાયેલી આ બેઠક બાદ સુષ્મા સ્વરાજ અને સરતાઝ અઝીઝે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ માટે જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ (જેઆઈટી) ૨૭ માર્ચે ભારત આવશે. બીજી તરફ, સરતાઝ અઝીઝે જણાવ્યું કે, ૩૧ માર્ચના રોજ વોશિંગ્ટનમાં નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત યોજાઈ શકે છે.
સરતાઝ અઝીઝે નરેન્દ્ર મોદીને ‘સાર્ક’ સમિટ માટે પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપતો પત્ર સુષ્માને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સપ્ટેમ્બરમાં ‘સાર્ક’ સમિટ ઇસ્લામાબાદમાં યોજાવાની છે. નરેન્દ્ર મોદી આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. બન્ને નેતાઓએ સ્વીકાર્યું હતું કે, તેમની વચ્ચે ખૂબ જ સારા માહોલમાં વાતચીત થઈ છે.
દ્વિપક્ષીય સંબંધો સુધરશે: અઝીઝ
સરતાઝ અઝીઝે જણાવ્યું હતું કે, જેટલા મુદ્દા પેન્ડિંગ હતા તેના પર સારા માહોલમાં વાતચીત થઈ છે. કેટલાક મુદ્દા પેન્ડિંગ, છે પરંતુ અમને આશા છે કે, તેના પર સારા માહોલમાં વાતચીત થશે. તેમણે જણાવ્યું કે, દ્વિપક્ષીય વાર્તા પઠાણકોટ હુમલાને કારણે અટકી હતી, પરંતુ જે રીતે પઠાણકોટ હુમલાને હેન્ડલ કરાયો છે તેનાથી લાગી રહ્યું છે કે, ભારત અને પાકિસ્તાનના સંબંધો સુધરશે.