નોટબંધીનો મુદ્દો ઘણો ગંભીર, રમખાણો પણ થઈ શકે: સુપ્રીમ કોર્ટ

Saturday 19th November 2016 07:06 EST
 
 

નવી દિલ્હીઃ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ બાદ દેશભરમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે સપ્તાહમાં બીજી વખત ભારત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે બેન્કો અને એટીએમની આગળ લાંબી લાઈનોની સમસ્યા અત્યંત ગંભીર બની રહી છે. આનાથી ‘દેશમાં રમખાણો થઈ શકે છે,’ તેમ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુરે ચલણી નોટ પરના પ્રતિબંધને પગલે દેશમાં પ્રવર્તી રહેલી સ્થિતિની ગંભીરતા દર્શાવતી અરજીના અનુસંધાનમાં કહ્યું હતું.
‘તમે રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્દી બનાવી દીધી છે, પણ ૧૦૦ રૂપિયાની નોટનું શું?’ તેવો સવાલ ચીફ જસ્ટિસે સરકારને કર્યો હતો. સરકારે તેના બચાવમાં કહ્યું હતું કે એટીએમમાં એકસો રૂપિયાની નોટ આવે તેવા એક જ બોક્સની વ્યવસ્થા છે. આ માટે એટીએમમાં જરૂરી સુધારાવધારા કરતાં કરતાં વાર લાગશે.
સુપ્રીમ કોર્ટે કરન્સી પ્રતિબંધને કારણે ટેક્સ ચોરી અને કાળા નાણાંની સમસ્યા ઉકેલાઈ જશે કે કેમ તે અંગે પણ શંકા દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, છેલ્લાં દસ દિવસથી સરકાર બધું સરખું થઈ જશે અને લોકોને રાહત મળશે તેમ કહી રહી છે. છેલ્લી વખતે તમે એમ કહેલું કે સરકાર લોકોની તકલીફો ઘટાડવા માટે પ્રયાસરત છે. પણ તમે તો રૂપિયા ૪૫૦૦ને બદલે ફક્ત ૨૦૦૦ના ઉપાડની જ પરમિશન આપી છે. તમને સમસ્યા શું છે? પ્રિન્ટિંગ પ્રોબ્લેમ છે? તેવો સવાલ જસ્ટિસ ઠાકુરે કર્યો હતો.
ભારત સરકાર વતી જવાબ આપતા એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, પ્રિન્ટિંગનો સવાલ નથી. સમગ્ર દેશમાં આવેલી બેન્કોની બ્રાન્ચો અને એટીએમમાં તેને પહોંચાડવી પડે તેમ છે. એટીએમ રિકેલિબ્રેટ કરવાં પડે તેમ છે. રોહતગીએ કહ્યું કે સરકારે ખેડૂતો અને જેમના ઘરમાં લગ્નો છે તેમને માટે રાહત જાહેર કરી જ છે. જ્યારે અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબલે કહ્યું કે, દૂરદરાજના ગામડાંઓમાં અને ઉત્તર-પૂર્વીય ભારતમાં લોકોને નવું ચલણ મળતું નથી. આ જવાબમાં રોહતગીએ વાંધો લેતાં કહ્યું કે, કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપી રહી છે.
સિબલે કહ્યું કે, સરકાર પાસે નોટો પ્રિન્ટ કરી શકવાની ક્ષમતા મર્યાદિત છે. દેશમાં ૨૩ લાખ કરોડની નોટોની જરૂર છે. સરકારે અત્યાર સુધીમાં રૂપિયા ૧૪,૦૦૦ કરોડ ફ્રીજ કરી દીધા છે અને તેમણે કયા કાયદા હેઠળ આમ કર્યું છે તે સ્પષ્ટ નથી.

નિર્ણય વગર વિચાર્યોઃ હાઈ કોર્ટ

નોટબંધી અંગે કોલકતા હાઈ કોર્ટે આકરી ટિપ્પણી કરીને સરકારના આ નિર્ણયને સમજ્યા-વિચાર્યા વિનાનો ગણાવ્યો છે. હાઈ કોર્ટે કહ્યું છે કે ભારત સરકારે અણઘડ રીતે આ નિર્ણય લીધો છે. એટલું જ નહીં, હાઈ કોર્ટે નોટ બદલવા માટે રોજેરોજ આવી રહેલા નવા નિયમો અંગે પણ કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું છે કે આનાથી એ સાબિત થાય છે કે સરકારે હોમવર્ક વિના આ નિર્ણય કર્યો છે. હાઈ કોર્ટે આસાનીથી લોકોને પૈસા ઉપલબ્ધ ન કરાવાતાં બેન્ક કર્મચારીઓની પણ ટીકા કરી છે. હાઈ કોર્ટે કહ્યું કે, તે સરકારે લીધેલો નિર્ણય બદલી શકતી નથી, પણ બેન્ક કર્મચારીઓની પ્રતિબદ્ધતા હોવી જોઈએ.

વડા પ્રધાન રાષ્ટ્રપતિને મળ્યા

રૂપિયા ૫૦૦ અને હજારની નોટો પરત લેવાના નિર્ણયથી પ્રજા પર ભારે અસર પડી રહી છે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ નવેમ્બરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળ્યા હતા. ૪૫ મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં વડા પ્રધાને દેશની વર્તમાન સ્થિતિ અંગે રાષ્ટ્રપતિને જાણકારી આપી હોવાના અહેવાલો છે. ઉલ્લેખનીય છે કે નોટબંધીના દસમા દિવસે પણ સ્થિતિ કાબૂમાં આવી નથી, જેના પગલે વધુ એક વ્યક્તિએ જીવ ગૂમાવવો પડયો છે. કેટલાક શહેરોમાં બેંકોમાં નાણા નથી, તો એટીએમમાં પણ નાણા ખલાસ થઇ ગયા અથવા તો મશીન કામ ન કરતું હોવાના સુચન બોર્ડ લગાવવામાં આવ્યા છે. કોલકતામાં બેંકો પાસે પૈસા ખુટી જવાથી વહેલા બંધ કરી દેવી પડી હતી. તામિલનાડુમાં પણ આવી જ સ્થિતિ હતી. અહીં તો નાના વેપારીઓ અને ફેરીયા તેમજ મજુરોની સ્થિતિ અતિ ખરાબ છે. 

લગ્ન માટે રૂ. ૨.૫ લાખ

સરકાર દ્વારા નોટો બદલવા માટે સાત મહત્ત્વની જાહેરાતો કરાઈ છે. અત્યાર સુધી બેન્કોમાં જૂની નોટોની સામે રૂ. ૪,૫૦૦ની મર્યાદામાં નવી નોટો બદલી આપવામાં આવતી હતી. આ મર્યાદામાં ૧૮ નવેમ્બરથી અમલમાં આવે તેવી રીતે ઘટાડો કરાયો છે, આમ શુક્રવારથી ફક્ત રૂ. ૨,૦૦૦ સુધીની જૂની નોટો જ બદલી આપવામાં આવશે. આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસ દ્વારા સરકારે લીધેલા મહત્ત્વના સાત પગલાંની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂતો ખાતર અને બિયારણ ખરીદવા દર અઠવાડિયે રૂ. ૨૫,૦૦૦ ઉપાડી શકશે, જે પરિવારમાં લગ્નપ્રસંગ હશે તે પરિવાર રૂ. ૨,૫૦,૦૦૦ની રકમ ઉપાડી શકશે. પૈસા ઉપાડતી વખતે લગ્નની કંકોત્રી રજૂ કરવાની રહેશે.

૩૦ વર્ષે ફરી એક રૂપિયાની બોલબાલા

દેશમાં નોટોની અછતને લીધે સિક્યુરિટી પ્રેસમાં નોટોનું છાપકામ વધી ગયું છે. ખાસ કરીને ૩૦ વર્ષ બાદ રૂ. એકની નોટનું છાપકામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. હાલ વ્યવહારમાં નાની રકમની નોટોની અછત છે. આ વાતને ધ્યાનમાં રાખીને રૂ. ૫૦૦થી નાની નોટોના છાપકામ પર ધ્યાન અપાઈ રહ્યું છે. ૨૦, ૫૦ અને ૧૦૦ની નોટો છાપવાનું કામ વધારી દેવાયું છે. ભારતીય રિઝર્વ બેન્કે ૫૦૦ સાથે ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ની નોટો વધુ છાપવાનો આદેશ નાશિક રોડ પ્રેસને આપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter