ચંડીગઢઃ પંજાબની અકાલીદળ - ભાજપ ગઠબંધન સરકારે સતલજ - યમુના લિંક કેનાલ મુદ્દે યથાસ્થિતિ જાળવી રાખવાના સુપ્રીમના આદેશને માનવાનો ઈનકાર કરી દીધો છે. ૧૮મી માર્ચે પંજાબ વિધાનસભામાં કેનાલના નિર્માણ વિરુદ્ધ સર્વસંમતિથી ઠરાવ પસાર કરાયો હતો. ઠરાવમાં પંજાબ સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્ય પાસે હરિયાણાને આપવા પાણી નથી. જવાબમાં હરિયાણાની ભાજપ સરકારે પંજાબ પર તમામ પ્રકારની મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે.
હરિયાણા સરકાર આ અંગે કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરશે. હરિયાણાએ આરોપ મૂક્યો હતો કે પંજાબ સરકાર કેનાલ માટે ફાળવાયેલી જમીનને લેવલ કરીને તેના ઉપયોગનો હેતુ બદલી રહી છે. ત્યારબાદ ૧૭મી માર્ચે સુપ્રીમ કોર્ટે સતલજ-યમુના લિંક કેનાલ પર યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો.
૧૮મી માર્ચે પંજાબ વિધાનસભાના નેતા અને સીએમ પ્રકાશસિંહ બાદલે ઠરાવ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે. અન્ય રાજ્યોને આપવા માટે પંજાબ પાસે પાણી નથી. તેને ધ્યાનમાં રાખતાં સતલજ-યમુના કેનાલનું નિર્માણ કરવાની કોઇ જરૂર અગાઉ પણ નહોતી કે અત્યારે પણ નથી. ત્યારબાદ વિધાનસભામાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરાયો હતો કે, પંજાબ કેનાલનું નિર્માણ કરવા નહીં દે.