પંજાબમાં શીખોના પવિત્ર ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરવાની ઘટનાએ ચકચારી મચાવી છે અને આ મુદ્દાને લઇને કટોકટી સર્જાઇ છે. ઉલ્લેખનીય છે કે પંદરેક દિવસ અગાઉ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ પંજાબ સરકારને ચેતવી હતી કે પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઇએસઆઇ પંજાબમાં અશાંતિ ઊભી કરી શકે છે.
ગુપ્તચર બ્યુરો (આઇબી)ના અમૃતસર યુનિટના ઇનપુટ્સના પગલે પંજાબના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ તમામ જિલ્લા અધિકારીઓને જરૂરી પગલાં લેવા પત્ર પાઠવ્યો હતો. ગત પહેલી ઓક્ટોબરના આ પત્રમાં જણાવાયું હતું કે, પંજાબમાં અશાંતિ સર્જવા આઇએસઆઇ શીખ રીતિ-રિવાજો અને પરંપરાઓની તાલીમ સાથેનું ત્રાસવાદીઓનું એક જૂથ રાજ્યમાં મોકલી શકે છે.