નવી દિલ્હી: પનામા પેપર્સ લીકના ત્રીજા તબક્કાની જાહેરાતમાં નીરા રાડિયાનું નામ બહાર આવતાં ફરી એક વખત ચર્ચાએ જોર પકડયું છે. વૈષ્ણવી કોમ્યુનિકેશનની સ્થાપક તથા અનેક પ્રધાનો, ઉદ્યોગપતિઓ અને પત્રકારો સાથે નજીકના સંબંધો મુદ્દે તથા તેમની સાથે થયેલી વાતોની ટેપ બહાર આવવા મુદ્દે નીરા રાડિયા ખૂબ જ ચર્ચામાં આવી હતી. પનામા લીકમાં તેનું નામ જાહેર થવાથી ફરી એક વખત વિવાદ શરૂ થયો છે. રાડિયાનું નામ બ્રિટિશ વર્જિન આઇલેન્ડની એક કંપની સાથે જોડાયેલું છે.
પનામા લીકના દસ્તાવેજો પ્રમાણે નીરા રાડિયા બ્રિટિશ વર્જિનમાં આવેલી એક કંપની ક્રાઉનમાર્ટ ઇન્ટરનેશનલ ગ્રૂપમાં ડાયરેક્ટર છે. આ કંપની સાથે જોડાયેલા ૨૦૦થી વધુ દસ્તાવેજોમાં નીરા રાડિયાનું જ નામ બહાર આવ્યું છે. આ દસ્તાવેજો પ્રમાણે રાડિયા પાસે એક વિદેશી કંપનીની માલિકી છે. તેમણે ૨૦૦૪ સુધી આ કંપનીના વિવિધ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. દસ્તાવેજો પ્રમાણે ક્રાઉનમાર્ટની સ્થાપના ૧૯૯૨માં નીરા રાડિયાના પિતા ઇકબાલ નરિયન મેનન દ્વારા કરાઈ હતી. નીરા રાડિયાનાં ત્રણ સંતાનો આ કંપનીમાં શેરહોલ્ડર છે.
નીરા રાડિયાની ઓફિસ તરફથી જારી કરાયેલાં નિવેદનમાં જણાવાયું છે કે, આ કંપની નીરા રાડિયાના પિતા ઇકબાલ મેનને શરૂ કરી હતી, તેની સાથે નીરા રાડિયાને કોઈ સંબંધ નથી. એ વાત સાચી છે કે નીરા રાડિયા પાસે બ્રિટિશ પાસપોર્ટ અને નાગરિકત્વ છે. તેઓ ઓવરસિઝ સિટિઝન ઓફ ઇન્ડિયા તરીકે રહે છે. ઇકબાલ મેનન પણ બ્રિટિશ નાગરિક હતા અને તેમણે ત્યાં આ કંપની શરૂ કરી હતી. ૨૦૦૩માં ઇકબાલ મેનનનાં અવસાન બાદ ૨૦૦૭માં કંપની વેચી દેવાઈ હતી.
પનામામાં કેટલાક બીજાં પણ નામ
પમાના પેનલની યાદીમાં રાડિયા ઉપરાંત બેલ્લારીના ટોચના બિઝનેસમેન અને હીરાની કંપની રોઝી બ્લૂના પ્રમોટર હર્ષદ રમણિકલાલ મહેતા, ડાયમંડ ટ્રેડર ચેતન મહેતા તથા દિલ્હીના બિઝનેસમેન સોમેન્દ્ર ખોસલા સહિત ઘણા ભારતીયોનાં નામનો ખુલાસો થયો છે. આ સિવાય હૈદરાબાદ અને યુકેમાં રહેતા એનઆરઆઈ બિઝનેસમેનનાં પણ નામ સામે આવ્યાં છે. કેટલાકે કંપનીઓ બંધ થઈ ગઈ હોવાના તો કેટલાક આરોપો ખોટા હોવાના ખુલાસા આપ્યા છે.
આઇસલેન્ડના વડા પ્રધાને રાજીનામું, નવાઝ શરીફે તપાસસમિતિ રચી
પનામા પેપરલીકે પાંચમી એપ્રિલે પહેલો ભોગ લીધો હતો. આઇસલેન્ડના વડા પ્રધાન સિગમુન્દર ડેવિડ ગુનલૌક્સને આ પેપરલીકમાં પોતાનું નામ ચમકતાં પદ પરથી રાજીનામું આપી દીધું હતું જ્યારે પાકિસ્તાનના પ્રમુખ નવાઝ શરીફે પોતાના પરિવાર સામે થયેલા આક્ષેપો અંગે તપાસ માટે ન્યાયિકપંચની નિમણૂક કરી છે. આઇસલેન્ડના કૃષિપ્રધાન સિગરૂર ઇન્ગી જોનાસને આઇસલેન્ડના વડા પ્રધાનનાં રાજીનામાની વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે તેઓ નવા વડા પ્રધાન બનશે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, રાઇટવિંગ ઇન્ડિપેન્ડ્ન્સ પાર્ટી અને પ્રમુખ ઓલાફુર રગનાર ગ્રિમસન વચ્ચે થયેલાં સમાધાનને પગલે આ નિર્ણય લેવાયો છે. પોતાની સામે અવિશ્વાસની દરખાસ્ત આવે તે પહેલાં જ આઇસલેન્ડના વડા પ્રધાને પદ ત્યજી દીધું છે. સંસદની બહાર હજારોનાં ટોળાએ દેખાવો કરીને રાજીનામાની માગણી કર્યા બાદ વિરોધપક્ષે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. ગુનલૌક્સ પનામા પેપરલીકના પ્રથમ શિકાર બન્યા છે. પનામાની ઓફશોર કંપની ઊભી કરવાની જાણકાર કાયદા કંપનીના લાખો દસ્તાવેજ લીક થયા પછી વિશ્વભરમાં ખળભળાટ વ્યાપી ગયો છે. અનેક દેશના રાજકારણી અને જાહેર અગ્રણી પર આ પેપર્સમાં આંગળી ચીંધવામાં આવી છે. આ અગાઉ ગુનલૌક્સે તો તેમના સહયોગી પક્ષને ચીમકી આપી હતી કે તેમને પદ પર ચાલુ રહેવા દેવામાં નહીં આવે તો નવેસરથી ચૂંટણી જાહેર કરશે. પાકિસ્તાનમાં નવાઝ શરીફે તેમના બે પુત્રો અને દીકરી સામે ઓફશોર કંપનીમાં રોકાણ કરીને સંપત્તિ છુપાવી હોવાના થઈ રહેલા આક્ષેપની તપાસ માટે ન્યાયિક તપાસપંચની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ તે પંચનું નેતૃત્વ સંભાળશે. પંચ આક્ષેપની તપાસ કરીને અહેવાલ સોંપશે.