પરિવર્તનકારી બજેટ માટે નાણાં પ્રધાન અભિનંદનને પાત્ર

Wednesday 08th February 2017 06:55 EST
 
 

ભારત સરકારના નાણાં પ્રધાન અરુણ જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરેલા બજેટને આર્થિક નિષ્ણાતો તેમજ ઉદ્યોગ જગતે આવકાર્યું છે. તેમના મતે સર્વગ્રાહી અને સંતુલિત બજેટમાં તમામ સેક્ટરના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટ દેશના અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે એવું તેમનું માનવું છે. અહીં બજેટ વિશે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોના મંતવ્યો રજૂ કર્યા છે.

લ્હાણી કર્યા વગર અર્થતંત્રની ગાડી પાટે ચડાવવાનો પ્રયત્ન

- જયનારાયણ વ્યાસ

ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવા સહિતનાં રાજયોમાં વિધાનસભાની ચૂંટણી હોવા છતાં મતદારોને લલચાવતી રાહતોની લ્હાણી કર્યા વિના નાણાં પ્રધાન અરુણ જેટલીએ અર્થતંત્રની ગાડીને પાટે ચડાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે નાણાંકીય ખાધને ત્રણ ટકાએ લઇ જવાના નિર્ધાર સાથે અડધા ટકાની પણ છૂટછાટ લીધી નથી અને નાણાંકીય શિસ્ત જાળવવાનો પણ સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ સેકટરમાં ૯૭ ટકા કંપનીઓ એવી છે કે જેનું વાર્ષિક ટર્નઓવર ૫૦ કરોડ રૂપિયા સુધી સીમિત રહે છે તેને પાંચ ટકા જેટલી કરરાહત જાહેર કરવામાં આવી છે. તેના કારણે આવા યુનિટો પાસે વર્કિંગ કેપિટલ વધશે, જે કંપનીના વિસ્તૃતિકરણમાં વપરાશે તેના કારણે રોજગારીની તકો પણ વધશે. જોકે નાણાં પ્રધાને પાર્ટનરશીપ લિમિટેડ લાયેબિલિટી યુનિટોને પણ આ વેરા રાહતોનો લાભ આપ્યો હોત તો તે ઉપયોગી થઇ શકત, પરંતુ આશા છે કે ભવિષ્યમાં તેઓ આ ભૂલ સુધારી લેશે. 

હાલના તબક્કે પાંચ કરોડ મકાનોની અછત છે તેને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સ્થાન અપાયું છે, જેના કારણે મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોને મકાન મેળવવામાં મોટો ફાયદો થશે. કાર્પેટ એરિયા બેઝ કન્સેપ્ટને અમલમાં મૂકયો હોવાથી સામાન્ય વર્ગને મોટા ક્ષેત્રફળનું મકાન મળશે. હવે આ સેકટરમાં જે કંપનીઓ જોડાશે તેમને મોટા પાયે ટેક્સ રાહતનો લાભ મળશે અને મકાનોની અછત પણ નિવારી શકાશે. જેથી સિમેન્ટ અને અન્ય સામગ્રીના પણ માંગ વધશે. ખેતી પછી બાંધકામ ક્ષેત્રમાં મોટા પાયે રોજગારી હાંસલ થઇ શકશે. 
ખેડૂતોની આવક વધવાની સાથે કૃષિ સંબંધિત ક્ષેત્રની પણ ચિંતા કરવામાં આવી છે. દૂધ ઉત્પાદકો માટે રૂ. ૮૦૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તેને ફૂડ પ્રોસેસિંગ સાથે જોડીને ખેત ઉત્પાદનનું મૂલ્ય વૃદ્ધિકરણ કરાશે તો ખેડૂતોની આવકમાં ભારે વધારો થઇ શકશે. 
આ બજેટમાં ઇ-ટ્રાન્ઝેકશન તરફ પણ જવાની વાત કરાઇ છે. મોટી વાત એ છે કે બેંકમાં રૂપિયા મૂકવાથી તે વ્હાઇટ નહીં ગણાય. ડેટા ચકાસવામાં આવી રહ્યા છે. પાંચ લાખ કરોડ રૂપિયા જેટલી ડિપોઝીટ સસ્પેક્ટેડ એકાઉન્ટમાં ગણાઇ છે. તેનાથી વેરાની આવકનો મોટો સ્રોત સરકારને પ્રાપ્ત થશે. પ્રથમ વાર રેલવે બજેટ અને સરકારનું નાણા બજેટ એકસાથે રજૂ થયાં છે. અગાઉ રેલવેના બજેટમાં લોકરંજક જાહેરાતો કરવાની વૃત્તિથી નફાકારકતાનો ભંગ થતો હતો. રેલવેની સુરક્ષા જોખમાતી હતી અને સુવિધા મળતી ન હતી. એટલું જ નહીં, પેસેન્જર ભાડું ન વધે તો નૂરભાડામાં વધારો કરાતાં રેલવે મોંઘી બનતી જતી હતી. સરકારે પ્રથમ વાર ૨૦૨૦ સુધીમાં માનવવિહોણા રેલવે ક્રોસિંગ નાબૂદ કરવાની જાહેરાત કરીને રેલવે સુરક્ષાની દિશામાં મહત્વનું કદમ ભર્યું છે. આવા રેલવે ક્રોસિંગને લીધે ૩૦ ટકા જેટલા અકસ્માતો થાય છે. (લેખક આર્થિક બાબતોના અભ્યાસુ અને ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન છે)

•••

પરિવર્તનકારી બજેટ માટે જેટલી પ્રશંસાને પાત્ર

- ઉદય કોટક

દસ આધારસ્તંભ પર અપાયેલું બજેટ-૨૦૧૭ ભારતીય અર્થતંત્રના પાયા વધુ મજબૂત કરશે. બજેટ પરિવર્તનકારી છે. નાણાં પ્રધાનની પ્રશંસા કરવી પડે કે, ભારતની પોલિટિકલ સિસ્ટમને પારદર્શક કરવા તેમણે આઉટ ઓફ ધી બોક્સ આઇડિયા જાહેર કર્યા છે. અર્થતંત્રને તમામ સ્તરેથી સ્વચ્છ કરવા માટે યોગ્ય દિશામાં ભાર મૂક્યો છે તો પારદર્શકતા અને વહીવટી અસરકારકતા લાવવા પણ પ્રયાસ કર્યો છે. પોલિટિકલ ફંડિંગમાં પારદર્શકતા અને જવાબદારી નક્કી કરવાનું પગલું ખૂબ હકારાત્મક છે. પોલિટિકલ ફંડિંગ માટે બોન્ડ બહાર પાડવા પાછળનો આઇડિયા રાજકારણમાંથી બ્લેક મનીને ઘટાડવાનો છે. મેક્રો-ઇકોનોમિક સંદર્ભે જોઈએ તો, નાણાં પ્રધાન માર્ચ ૨૦૧૭ માટે રાજકોષીય ખાધ ૩.૫ ટકાની અંદર રાખવામાં સફળ રહ્યા છે. જેટલીએ રાજકોષીય શિસ્ત દાખવીને માર્ચ ૨૦૧૮ માટે ૩.૨ ટકા રાજકોષીય ખાધનો લક્ષ્યાંક આપીને જોખમ પણ ખેડ્યું છે. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટ દ્વારા ૩ ટકા રાજકોષીય ખાધની ભલામણ કરાઇ હતી તેના કરતાં જેટલીનો લક્ષ્યાંક થોડો વધારે છે, પણ અર્થતંત્રને વૃદ્ધિની જરૂર છે ત્યારે માર્ચ ૨૦૧૮ સુધીમાં ૩.૨ ટકા રાજકોષીય ખાધનો લક્ષ્યાંક મૂકવો પણ ચોક્કસપણે ચુસ્ત વિવેક માગી લે છે. 

અર્થતંત્રના ત્રણ મુખ્ય પાયા ખેડૂતો, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જંગી ફાળવણી કરાઇ છે. જેટલીએ ૨૫ ટકા (પહેલાં ૩૦ ટકા) નીચા ટેક્સ રેટથી સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (SMEs)ને પ્રોત્સાહન આપ્યું છે. ટેક્સમાં બચતથી SMEsને બિઝનેસમાં વૃદ્ધિ માટે વધારાની લિક્વિડિટી મળશે. SMEs પણ ફોર્મલ સેક્ટરમાં સામેલ થશે એટલે બેન્કો પણ તેમને મદદ કરશે. SMEની વૃદ્ધિથી રોજગારીનું સર્જન થતાં અર્થતંત્રને વેગ મળશે. બેન્કિંગ સેક્ટરને પણ વેગ મળશે. કેપિટલ ગેઇન્સ ટેક્સ યથાવત રાખવાનો નિર્ણય પણ શ્રેષ્ઠ છે. સ્થિર ટેક્સ માળખું રહેશે, તો રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેશે. સ્થાનિક અને વિદેશી રોકાણ આકર્ષી શકાશે. પરિણામે મૂડીખર્ચમાં વિસ્તરણ, રોજગારી સર્જન અને મજબૂત GDP વૃદ્ધિ હાંસલ થશે. નોટબંધીથી ટેક્સ નેટ વિસ્તારી શકાઈ હોવાથી સરકારને ટેક્સ નીચો રાખવામાં મદદ મળી છે. આથી જ કરદાતાને અને અસંગઠિત સેક્ટરના બિન-પગારદાર વર્ગને લાભ અપાયો છે. રૂ. ૨.૫ સુધીની આવકને ટેક્સથી બાકાત રાખીને અને અઢી લાખથી પાંચ લાખ વચ્ચેની આવક પરનો ૧૦ ટકા ટેક્સ ઘટાડી પાંચ ટકા કરીને સરકારે આ વર્ગને રાહત આપી છે. આ ઇન્કમ બ્રેકેટમાં આવતા વર્ગને રાહત મળવાથી વધુ લોકો ટેક્સ ભરશે. રૂ. ૩ લાખથી વધારે મૂલ્યના રોકડ સોદાને મંજૂરી નહીં આપીને ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવાનો પ્રયાસ થયો છે. તેથી ભારત કેશલેસ સોસાયટી બનવાની દિશામાં હરણફાળ ભરશે. સમાંતર કેશ ઇકોનોમીનું કદ ઘટશે. 
(લેખક કોટક મહિન્દ્રા બેન્કના એક્ઝિ. વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે)

•••

બજેટ વિશે મહાનુભાવોના મંતવ્યો...

• બજેટ-૨૦૧૭ ઐતિહાસિક બજેટ છે. વર્ષ ૨૦૧૪માં સામાન્ય ચૂંટણી દરમિયાન વડા પ્રધાન મોદીએ સંકલ્પ જાહેર કર્યાં હતા તેને આ બજેટમાં વાચા મળી છે. આ બજેટ મહિલાઓ અને ગરીબો માટેનું બજેટ છે. વડા પ્રધાને રાજકારણમાં શુદ્ધતા લાવવાનું પોતાનું વચન પૂરું કર્યું છે. - અમિત શાહ, અધ્યક્ષ ભાજપ
• અંદાજ પત્રમાં ગ્રામીણ, કૃષિ ક્ષેત્ર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજકારણમાં પારદર્શકતા આવશે.’ - નીતિન ગડકરી, માર્ગ-પરિવહન પ્રધાન
• અંદાજપત્રમાં રોજગારીના સંદર્ભમાં નોંધપાત્ર કાંઈ નથી. રેલવે બજેટનો અછડતો ઉલ્લેખ જ થયો. સરકારી યોજનાઓ પાછળ વધુ ખર્ચ થઈ રહ્યો છે.’
-મનીષ તિવારી, પ્રવક્તા, કોંગ્રેસ

• સમાજના નબળા અને મધ્યમ વર્ગને સપોર્ટ મળે એવી જાહેરાતો આ બજેટમાં છે. એમાં નાના અને મધ્યમ ખેડૂતો, નાના સાહસિકો, મહિલાઓ અને યુવાનોનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓની આવક લોઅર ટેક્સ સ્લેબમાં છે એટલે એમને ફાયદો થશે. આમ તો બજેટ ગયા વર્ષના બજેટ જેવું છે. ગયા વર્ષે જે પગલાં જાહેર કરાયું હતું એના બેઝ પર જ આ બજેટ તૈયાર કરાયું છે. - અરુધંતી ભટ્ટાચાર્ય, ચેરપર્સન – સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
• બજેટમાં વિકાસ અને નાણાંકીય શિસ્ત બાબતે યોગ્ય બેલેન્સ છે. ખેડૂતો, ગરીબો, ફાઈનાન્સિયલ સેક્ટરને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. નાણાં પ્રધાને ઇન્ફ્રાસ્ટ્રકચર અને રુરલ ઇકોનોમીમાં રોકાણ બાબતે યોગ્ય જાહેરાતો કરી છે. એફોર્ડેબલ હાઉસિંગ રોડ. રેલવે માટે રોકાણની દરખાસ્તો છે એની અસર અર્થતંત્ર પર જોવા મળશે. - ચંદા કોચર, એમડી અને સીઈઓ – આઇસીઆઇસીઆઇ બેન્ક
• નાણાં પ્રધાને વૃદ્ધિલક્ષી બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ગ્રામીણ અને કૃષિ વિકાસ પર નોંધપાત્ર ફોકસ કરાયું છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે નવો કાયદો બનાવાશે. આને પગલે કૃષિ ક્ષેત્રની ઉત્પાદક્તામાં નોંધપાત્ર વધારો થશે. ૨૦૧૮ સુધીમાં બધા જ ગામડાંઓનું વીજળીકરણ કરવાની જાહેરાત કરાઇ છે એ હકારાત્મક જાહેરાત છે. ગ્રામ્ય વિસ્તારોના કન્ઝમશનમાં વધારો થશે. - અદી ગોદરેજ, ચેરમેન – ગોદરેજ ગ્રૂપ
• સરકારે સામાજિક અને ઇન્ફ્રાસ્ટ્રકચર માટેના ખર્ચ તેમજ એફોર્ડેબલ હાઉસિંગ બાબતે વધુ ફોક્સ કર્યું છે. સામાન્ય વ્યક્તિને કરવેરાના લાભ મળ્યા છે એને પગલે કન્ઝમ્શનમાં રિકવરી જોવા મળશે. કેશ ટ્રાન્ઝેક્શન પર મર્યાદાને પગલે ડિજિટલ પેમેન્ટમાં વધારો થયો છે. ટ્રાન્સફોર્મ, એનર્જાઇઝ અને ક્લીન એજન્ડાને પગલે અર્થતંત્રને લાભ થશે. - રાણા કપૂર, એમડી તથા સીઇઓ – યસ બેન્ક


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter