કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં કોલકતા સાઉથ, સાઉથ દક્ષિણ પરગણા અને હુગલી એમ ત્રણ જિલ્લામાં યોજાયેલા નિર્ણાયક પાંચમા તબક્કાના મતદાનમાં ૭૮.૨૫ ટકા મતદાન થયું હતું. મતદાન કેન્દ્રો બહાર લાંબી કતારો જોવા મળતી હતી. આજના મતદાન બાદ ૪૩ મહિલા ઉમેદવારો સહિત કુલ ૩૪૯ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયું હતું. આ તબક્કામાં થયેલું મતદાન મુખ્ય પ્રધાન મમતા બેનરજી સહિતના ઉમેદવારોનું ભાવિ નક્કી કરી દેશે.
મારો મતવિસ્તાર મિની પાકિસ્તાન: બોબી ફરહાદ હાકિમ
પશ્ચિમ બંગાળના કેબિનેટ પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વિધાનસભ્ય બોબી ફરહાદ હાકિમ ફરી વિવાદોના ઘેરામાં ફસાયા છે. પાકિસ્તાનના એક અખબારને મુલાકાત આપતાં આ કેબિનેટ પ્રધાને કહ્યું હતું કે, તેમનો મતવિસ્તાર કોલકતામાં આવેલા મિની પાકિસ્તાન જેવો છે. ભાજપે આવા નિવેદન બદલ કેબિનેટ પ્રધાનની ઝાટકણી કાઢી હતી. જોકે હાકિમે જણાવ્યું હતું કે, તેમણે પાકિસ્તાન જેવા શબ્દનો ઉપયોગ જ નહોતો કર્યો. પીએમ વારંવાર પાકિસ્તાનની મુલાકાત લઇ શકે છે, પણ કોઇ મુસ્લિમ પાકિસ્તાનનું નામ લઇ લે તો હોબાળો મચે છે.