અયોધ્યા: ધર્મનગરી અયોધ્યામાં પ્રભુ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછીની આ પ્રથમ દિવાળી છે. 500 વર્ષ પછી આવેલી આ મહત્ત્વની ઘડીનો ઉત્સાહ અયોધ્યામાં દેખાઈ રહ્યો છે પરંતુ આ બધા વચ્ચે રામલલ્લા પહેલી દિવાળીએ કેવા પોશાક પહેરશે એ જાણવા શ્રદ્ધાળુઓ ઉત્સુક છે.
આ સવાલના જવાબમાં ડિઝાઇનર મનીષ ત્રિપાઠીએ કહ્યું હતું કે તેમણે ડિઝાઈન કરેલા અને તેમના કારીગરોએ બનાવેલા પોશાક પ્રભુ શ્રીરામ પ્રાણપ્રતિષ્ઠા પછીથી ધારણ કરી રહ્યા છે. તેમણે એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દિવાળીનો પોશાક શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને સોંપી દેવાયો છે. પોશાક ગુજરાત બંધેજ પેટર્ન પર બનેલો છે. કપડું ઘઉંવર્ણા લાલ રંગનું છે. ચાંદીના તારથી સિલાઈ અને એમ્બ્રોઇડરી કરેલી છે. તેમાં 8 રોલ ચાંદીના તાર લાગેલા છે. 15 કારીગરે એક મહિનામાં તૈયાર કર્યો છે.
દિવાળીએ પોશાક કેવો હશે? એ વિશે મનીષ ત્રિપાઠીએ કહ્યું કે પ્રભુના દિવાળી પોશાકમાં 11થી 12 મીટર કપડું જોઈએ છે અને એ વિશેષ પોશાક માટે અમે સાઉથ સિલ્ક પસંદ કર્યું છે. દિવાળી છે એટલે ભગવાન પીતાંબર પહેરશે. તેમાં સોના અને ચાંદીના તારની સિલાઈ હશે. પોશાકમાં વૈષ્ણવ ચિહ્નનું ભરતકામ હશે. અમે રાજાની સેવા કરીએ છીએ એટલે સેવા અને પહેરવેશ એ જ રીતના હોવા જોઈએ. 22 જાન્યુઆરી પછીથી અમે એ જ પ્રયાસ કરીએ છીએ કે દરેક મોટાં આયોજનમાં ભગવાનનો પોશાક ભારતીય પરંપરાગત ટેક્સટાઇલથી તૈયાર થાય. આ વખતે ગુજરાત અને દક્ષિણ ભારતના કારીગરોએ અમને કાપડ આપ્યું છે.