નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ સોમવારે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર યોજાયેલાં મતદાનમાં 60 ટકાથી વધુ મતદાન થયું છે. આ સાથે લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 428 બેઠક પર મતદાન પૂરું થયું છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી બાદ પહેલી વખત યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બારામુલ્લા બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધુ 60 ટકા મતદાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળમાં હિંસાની છૂટક ઘટનાઓ તથા કેટલાંક કેન્દ્રો પર ઈવીએમમાં ખામી સર્જાવાની ઘટનાને બાદ કરતાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું.
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 73.14 ટકા મતદાન થયું હતું, જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 53.51 ટકા મતદાન નોંધાયું હતું. મુંબઈની છ લોકસભા બેઠકો પર 46થી 54 ટકા, જ્યારે થાણેમાં 49.81 ટકા મતદાન થયું હતું. ઉત્તર મુંબઈની બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક પરથી ભાજપે અજમલ કસાબને ફાંસીના માંચડે લટકાવનાર વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા છે. ઉત્તર પ્રદેશની હાઈપ્રોફાઈલ ગણાતી અમેઠી બેઠક પર 54.17 ટકા તો રાયબરેલીમાં 57.85 ટકા મતદાન થયું છે.
કાશ્મીરના બારામુલ્લામાં વિક્રમી મતદાન
જમ્મુ-કાશ્મીરની બારામુલ્લા બેઠક પર પાંચમા તબક્કામાં 59 ટકા જેટલું વિક્રમી મતદાન થયું છે. જે છેલ્લાં 40 વર્ષમાં સૌથી વધુ મતદાન છે. અગાઉ 1984માં સૌથી વધુ 58.84 ટકા મતદાન થયું હતું. એ પછી આતંકવાદી પ્રવૃત્તિ વકરતાં મતદાનની ટકાવારી ઘટવા લાગી હતી. જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પી.કે. પોલે જણાવ્યું હતું કે ‘હું લોકોને અભિનંદન આપવા માંગુ છું કે તમામ મુશ્કેલીઓ છતાં તેઓ આટલી મોટી સંખ્યામાં મતદાન કરવા આવ્યા. આ પહાડી વિસ્તાર છે અને કેટલાક વિસ્તારો બરફથી ઘેરાયેલા વિસ્તારો છે અને આ બધા છતાં, તેઓ મતદાન કરવા આવ્યા હતા અને ઇતિહાસ રચ્યો છે.’
કયા દિગ્ગજોનું ભાવિ સીલ
પાંચમા તબક્કાના મતદાનમાં જે નેતાઓનું ભાવિ બેલેટ બોક્સમાં બંધ થયું છે તેમાં રાહુલ ગાંધી (રાયબરેલી), રાજનાથ સિંહ (લખનઉ), સ્મૃતિ ઈરાની (અમેઠી), પીયૂષ ગોયલ (નોર્થ મુંબઈ), ઉજ્જવલ નિકમ (ઇસ્ટ સેન્ટ્રલ મુંબઈ), કૌશલ કિશોર (મોહનલાલગંજ) અને સાધ્વી નિરંજન જ્યોતિ (ફતેહપુર)નો સમાવેશ થાય છે.