પાક. હિન્દુ શરણાર્થી ભારતમાં પ્રોપર્ટી ખરીદી શકશે, એકાઉન્ટ ખોલાવી શકશે

Thursday 16th July 2015 06:04 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પ્રચાર વેળા વડા પ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘અન્ય દેશોમાં ત્રાસ વેઠી રહેલા હિન્દુઓ પ્રત્યે આપણી જવાબદારી છે. તેમના માટે ભારત એકમાત્ર સ્થળ છે.’ મોદી સરકાર હવે તેમનું વચન પાળવાની દિશામાં કામ કરી રહી છે. પાકિસ્તાનથી લાંબા ગાળાના વિઝા પર ભારત આવેલા હિન્દુ શરણાર્થીઓને ટૂંક સમયમાં બેન્ક એકાઉન્ટ ખોલવાની અને રહેણાંક પ્રોપર્ટી ખરીદવાની મંજૂરી આપવા ચક્રો ગતિમાન થયા છે.
ભારતના નાગરિકતા વગર પાકિસ્તાની હિન્દુઓને દેશના આર્થિક પ્રવાહમાં લાવવા માટે આ પગલાં બહુ મહત્ત્વના પુરવાર થઈ શકે છે. સરકાર આ અંગે કોઈ ચોક્કસ નીતિ ઘડશે તો પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુઓ તેમના વિઝા અને ફોરેનર રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઓ) દ્વારા ઈશ્યુ કરાયેલી રેસિડેન્શિયલ પરમિટના આધારે ભારતમાં બેન્ક એકાઉન્ટ ખોલાવી શકશે.
મોદી સરકાર પાકિસ્તાન (અને અફઘાનિસ્તાન)ના હિન્દુઓને પણ નાગરિકત્વ આપવામાં સક્રિય છે. ‘ઇકોનોમિક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર, એનડીએ સરકારે સાઉથ એશિયન દેશોના ૪૦૦૦થી વધુ હિન્દુઓને નાગિરકત્વ આપ્યું છે. સૂચિત આંકડો યુપીએ-૨ની પાંચ વર્ષની મુદ્દત કરતાં ચાર ગણો છે.
લાંબા ગાળાના વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાનના હિન્દુઓને બેન્ક ખાતું ખોલવાની અને પ્રોપર્ટી ખરીદવાની સુવિધા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાની મંજૂરી જરૂરી છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુઓને દમનનો ભોગ બન્યા હોવાનું ગણે છે. આથી સરકાર તેમને બેન્ક એકાઉન્ટ ખોલાવવા અને પ્રોપર્ટી ખરીદવાની સુવિધા આપવા માંગે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુઓને ભારતીય રિઝર્વ બેન્કની મંજૂરી વગર નોન-રેસિડેન્ટ ઓર્ડિનરી રૂપી એકાઉન્ટ (એનઆરઓ એકાઉન્ટ) ખોલવાની પણ છૂટ આપી શકે. વર્તમાન નિયમો હેઠળ ભારતની બહાર રહેતી કોઈ પણ વ્યક્તિ બેન્ક કે અધિકૃત ડિલર પાસે એનઆરઓ એકાઉન્ટ ખોલાવી શકે છે. જોકે પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો માટે આવું ખાતું ખોલવા આરબીઆઈની મંજૂરી જરૂરી છે.
મોદી સરકાર પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુઓને આ પ્રક્રિયામાંથી મુક્તિ આપવાનું વિચારી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘વિકલ્પો ઘણા છે. અમે તેને ચકાસીશું અને સુરક્ષાની ચિંતા અંગે અમે ગૃહ મંત્રાલયનો અભિપ્રાય લઈશું. બેન્કોએ ભારતમાં રહેતા પાકિસ્તાની હિન્દુઓના બેન્ક ખાતા અંગે ગૃહ મંત્રાલયને ત્રિમાસિક અહેવાલ આપવો પડશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter