નવી દિલ્હીઃ યુરોપમાં માઈગ્રન્ટ્સની સમસ્યા વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ શરણાર્થીઓને રાહત આપતો નિર્ણય કર્યો છે. મોદી સરકારે આ બંને દેશોમાંથી આવેલા હિન્દુઓ અને અન્ય લઘુમતી નાગરિકોને વિઝા વગર ભારતમાં રહેવાની મંજૂરી આપી છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અને તેમની હત્યાની ઘટનાના ભયથી હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, પારસી અને બૌદ્ધ સમુદાયના અનેક નાગરિકો ભારતમાં આવી ગયા છે. તેમની પાસે કાયદેસર દસ્તાવેજો પણ નથી અને જેમની પાસે પાસપોર્ટ વગેરે છે તેની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. લઘુમતી શરણાર્થીઓની ચોક્કસ સંખ્યા નક્કી નથી પરંતુ એક અંદાજ મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં બે લાખ હિન્દુ અને શીખ શરણાર્થીઓ આવ્યા છે.
સરકારે આપેલી વિગત મુજબ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ સુધીમાં ભારતમાં પ્રવેશેલા બાંગ્લાદેશી અને પાકિસ્તાની લઘુમતી સમુદાયના નાગરિકોને પાસપોર્ટ એક્ટ હેઠળના નિયમોમાંથી મુક્તિ આપી છે અને ચોક્કસ સમયમર્યાદા પૂરી થવા છતાં તેઓ અહીં રહી શકશે. મતલબ કે આ બંને દેશોમાંથી આવેલા શરણાર્થી નાગરિકો તેમના વિઝા પૂરા થયા છતાં ભારતમાં રહી શકે છે. માનવીય આધારે આ નિર્ણય લેવાયો છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુ પરિવારો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે ત્યારે ભારત સરકારના આ નિર્ણયથી તેમને રાહત મળશે.