પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસેનના પુત્ર સલમાન હુસેન પર બોમ્બથી હૂમલો કરવામાં આવ્યો છે. જેમાં સલમાન બચી ગયો હતો. આ હૂમલો અશાંત બલુચિસ્તાન ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો. જેમાં સાત લોકોના મોત નિપજ્યાં છે અને ૧૩ નાગરિકોને ગંભીર ઈજા થઈ છે. આ હૂમલામાં ચાર પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે.
ઈઝરાયેલના પૂર્વ વડા પ્રધાનને જેલ સજાઃ ઈઝરાયેલના પૂર્વ વડા પ્રધાન એહુદ ઓલ્મર્ટને ભ્રષ્ટાચાર બદલ આઠ મહિનાની જેલની સજા થઈ છે, અમેરિકાના એક સમર્થક પાસેથી ગેરકાયદે નાણાં સ્વીકારવા માટે તેમને આ સજા ફરમાવાઈ છે. થોડા વર્ષો પૂર્વે સમગ્ર ઈઝરાયેલને દોરવણી આપનાર તેમ જ મધ્યપૂર્વમાં શક્તિશાળી વ્યક્તિ તથા પેલેસ્ટાઈન સાથે ઐતિહાસિક કરાર કરનારા ઓલ્મર્ટનું આવું નાટ્યાત્મક પતન જોતાં દેશવાસીઓ ડઘાઈ ગયા છે. ઓલ્મર્ટને, જેરૂસલેમની જિલ્લા કોર્ટે માર્ચ મહિનામાં દોષિત ઠરાવ્યા હતા. ગત વર્ષે તેમના પર ચાલેલા ભ્રષ્ટાચારના એક અલગ કેસમાં તેમને છ વર્ષની સજા થઇ છે.
ડચમાં બુરખા પર પ્રતિબંધઃ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા બુરખા પર ડચમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે તેને મંજૂરી આપી છે. ખાસ કરીને શાળા અને જાહેર સ્થળોએ આ પ્રતિબંધ લાગુ રહેશે. ડચ એકમાત્ર એવો દેશ નથી કે જેણે બુરખા પર પ્રતિબંધ મૂક્યો હોય. અગાઉ અનેક એવા દેશો છે કે જે બુરખા પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. ડચના વડા પ્રધાન માર્ક રટે જણાવ્યું હતું કે, અમે જાહેરમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેને કોઈ પણ પ્રકારના ધર્મ સાથે કંઈ લેવાદેવા નથી, ડચ સમાજનાં મૂલ્યોને જાળવી રાખવા માટે બુરખા પર પ્રતિબંધ જરૂરી હતો. આ ઉપરાંત સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચીનનો ‘મેડ ઇન ચાઇના ૨૦૨૫’ પ્લાનઃ મેન્યુફેક્ચરિંગ હબ બનવાના ભારતના પ્રયાસોને ચીને આંચકો આપ્યો છે. ચીને ‘મેડ ઇન ચાઇના ૨૦૨૫’ પ્લાન લોન્ચ કર્યો છે. આર્થિક વિકાસને વેગ આપવા માટે ચીને આ દસ વર્ષીય યોજના તૈયાર કરી છે. વડા પ્રધાન લી કેકિયાંગના અધ્યક્ષપદે મળેલી કેબિનેટ બેઠકે આ યોજનાની બ્લુ પ્રિન્ટને મંજૂરી આપી હતી. ચીનનાં કારખાનાં જ્યારે વધી રહેલી માગ અને અન્ય વિકાસશીલ અર્થતંત્રો દ્વારા ઊભી થયેલી પ્રતિસ્પર્ધાનો સામનો કરી રહ્યા છે ત્યારે ચીને આ પગલું ભર્યું છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે અનેક ચીની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા વિચારી રહી છે. ચીન તે વિશ્વની બીજા ક્રમની અર્થવ્યવસ્થા છે. મંદ પડેલા વિકાસમાં પ્રાણ પૂરવા માટે પોતાનો પ્રથમ એકશન પ્લાન લોન્ચ કર્યો છે. તે પછી વધુ બે યોજના પણ લોન્ચ થવાની છે.