નવી દિલ્હીઃ ભારત ખાતેના પાકિસ્તાનના હાઇ કમિશનર અબ્દુલ બાસિત સોમવારે કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને મળ્યા હતા અને ગત સપ્તાહે ભારતના વિદેશસચિવ એસ. જયશંકરની ઈસ્લામાબાદની મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે ચર્ચાયેલા મુદ્દાઓ અંગે તેમને માહિતગાર કર્યા હતા.
બન્ને નેતાઓ વચ્ચેની બેઠક અડધા કલાકથી થોડી લાંબી રહી હતી. નોંધનીય છે કે સાત મહિના અગાઉ બાસિત અને ગિલાની વચ્ચેની બેઠકના વિરોધમાં જ ભારતે પાકિસ્તાન સાથેની મંત્રણાપ્રક્રિયા રદ કરી હતી. બાસિતે ગિલાનીને આગામી ૨૩મી માર્ચે પાકિસ્તાન ડે નિમિત્તે પાકિસ્તાનની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું.
બેઠક બાદ ગિલાનીએ કહ્યું હતું કે તેમણે બાસિતને જણાવ્યું છે કે કાશ્મીરનો પ્રશ્ન મુખ્ય છે અને આ પ્રશ્ન ઉકેલાશે તો અન્ય પ્રશ્નો પણ સહેલાઇથી ઉકેલાઇ જશે.
ગિલાનીએ ઝેર ઓક્યું
અલગતાવાદી નેતા સૈયદઅલી શાહ ગિલાનીએ જણાવ્યું કે, 'ભારતે એ કટુ સત્ય માનવું જ પડશે કે, જમ્મુ અને કાશ્મીર એક વિવાદિત ક્ષેત્ર છે અને તે તેનો હિસ્સો નથી. મસરતને મુક્ત કરીને સરકારે કોઈ અહેસાન નથી કર્યો, કારણ કે, કોર્ટે તેને મુક્ત કર્યો છે, સરકારે નહીં.’