નવી દિલ્હીઃ ભારતીય સેનાએ પાકિસ્તાન કબજાગ્રસ્ત (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઇક કર્યાના દાવાને નવાઝ શરીફ સરકાર ભલે ધરાર નકારી રહી હોય, પણ એક અંગ્રેજી દૈનિકે સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને તેના જૂઠાણાંનો પર્દાફાશ કર્યો છે. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકે લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર રહેતા કેટલાક લોકોને મળીને તૈયાર કરેલા અહેવાલમાં કહેવાયું છે કે ભારતીય સેના દ્વારા આતંકવાદી અડ્ડાઓ પર સ્ટ્રાઈક કરાઇ જ હતી. રિપોર્ટમાં આ હુમલો નિહાળનારાઓને ટાંકીને જણાવાયું છે કે ૨૯ સપ્ટેમ્બરે મોડી રાત્રે ભારતીય સેના આતંકવાદી કેમ્પ પર ત્રાટકી હતી. બોમ્બ ધડાકાઓ અને ગોળીબારના અવાજો થોડા સમય માટે સંભળાયા હતા અને તે પછી કેટલીક ટ્રકોમાં લાશોને લઈ જવાતી જોવા મળી હતી. આ લોકોના જણાવ્યા પ્રમાણે ફાયરિંગની થોડીક વાર બાદ આતંકવાદી છાવણીનો સફાયો થઇ ગયાનું જણાતું હતું.
પાકિસ્તાની સરકારે વિદેશી પત્રકારોને સર્જિકલ સ્ટ્રાઈકના સ્થળે લઈ જઈને એવું દર્શાવવા પ્રયાસ કર્યા હતા કે ભારતીય સેનાએ એલઓસીમાં પ્રવેશ કર્યો જ નથી. જોકે અખબારમાં રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને પસંદગીના સ્થળો જ આ પત્રકારોને દેખાડ્યા હતા. જ્યાં હુમલો કરાયો હતો ત્યાં કોઈ પત્રકારને લઈ જવાયો નહોતો. જોકે, અખબારના રિપોર્ટ પ્રમાણે સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ૩૮-૪૦ નહીં, પરંતુ તેનાથી સાવ ઓછી એટલે કે પાંચથી છ હોવાનું કહેવાય છે.
અખબારે એલઓસી પર રહેતા લોકોના પાંચ સંબંધીઓ કે જે પીઓકેમાં રહે છે તેમનો સંપર્ક કર્યો હતો અને તેમના નિવેદનને આધારે આ આખો રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમાંથી બે સાક્ષીઓએ વિસ્તૃત જાણકારી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, એલઓસીથી ફક્ત ચાર કિલોમીટર દૂર દુધનિયાલ ગામમાં અલ-હાવી બ્રીજ પાસે થયેલા હુમલામાં તેમણે એક ઈમારતને પડતી જોઈ હતી.
અલ-હાવી બ્રીજની પાસે એક મિલીટરી પોસ્ટ અને લશ્કર દ્વારા ઉપયોગમાં લેવાતું કંપાઉન્ડ છે. સાક્ષીઓએ કહ્યું કે, તેમણે એ રાતે ત્યાં મોટા વિસ્ફોટોના અવાજો સાંભળ્યા હતા. આ અવાજો, રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૮૪-એમએમ ગુસ્તાવ રાયફલના હતા. તેની સાથે કેટલાંક નાનાં હથિયારોમાંથી થયેલા ફાયરિંગના અવાજો પણ સંભળાયા હતા. લોકો આ જોવા માટે ઘરની નીકળ્યા નહોતા એટલે કોઈએ ભારતીય સૈનિકોને જોયા નથી પણ બીજા દિવસે ત્યાં હુમલો થયાનું જાણમાં આવ્યું હતું.
એક સાક્ષીએ કહ્યું કે, ભારતીય આર્મીએ લશ્કર-એ-તોઈબાની ત્રણ માળની એક બિલ્ડિંગ પણ ફૂંકી મારી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, અહીં ત્રણ કે ચાર આતંકવાદી માર્યા ગયા હતા. બાકીના લોકો ફાયરિંગ સાંભળીને પાસેના જંગલમાં ભરાઈ ગયા હતા. માર્યા ગયેલા આતંકીઓને આસપાસ ક્યાંય દફનાવાયા નહોતા.
સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે બીજા દિવસે એટલે કે ૩૦મી સપ્ટેમ્બરની સવારે પાંચ કે છ લાશોને ટ્રકમાં સંભવિતપણે બાજુમાં આવેલા ચલહાણામાં લશ્કર-એ-તોઈબાના કેમ્પમાં લઈ જવામાં આવી હતી. ભારતીય સેનાએ માર્યા ગયેલા આતંકવાદીઓ અંગે હજુ સુધી કોઈ અધિકૃત આંકડો જારી કર્યો નથી, પણ જીડીએમઓ લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંહે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં આતંકવાદીઓ અને તેમના સમર્થકો માર્યા ગયા છે. ચલહાણાની મસ્જિદમાં શુક્રવારની નમાઝ પછી સર્જિકલ સ્ટ્રાઈકમાં આતંકવાદીઓના મોતનો બદલો લેવાનો સંકલ્પ પણ વ્યક્ત કરાયો હતો.
સાક્ષીઓએ કહ્યું હતું કે, આ માટે ભારતીય આર્મીને દોષી માનવામાં આવી હતી અને ભારત ક્યારેય ભૂલે નહીં તેવો બદલો લેવાનો લલકાર પણ કરવામાં આવ્યો હતો. અખબારે ઈન્ટેલિજન્સ દસ્તાવેજોના આધારે લખ્યું છે કે હુમલા પછી લશ્કર સહિતના આતંકવાદી સંગઠનો વિમાસણમાં મૂકાઈ ગયા છે.
૧૨ મર્યા છેઃ પાક. પોલીસની કબૂલાત
પાકિસ્તાન પોલીસના એક ટોચના અધિકારીએ કબૂલ્યું છે કે ભારતની સર્જિકલ સ્ટ્રાઈકમાં પાકિસ્તાનના ૧૨ માણસો માર્યા ગયા છે. એક ભારતીય ટીવી ચેનલે એક વાતચીતનું પ્રસારણ કર્યું હતું, જેમાં તેના પત્રકારે સિનિયર પાકિસ્તાની અધિકારી હોવાનું કહીને પીઓકેના મિરપુરના પોલીસ વડા સાથે વાતચીત કરી હતી. ભિમ્બર અને લિપામાં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં પાંચ સૈનિકો અને લશ્કર-એ-તોઈબાના આતંકવાદીઓ માર્યા ગયા છે. કુલ ૧૨ મર્યા હોવાનું તેમણે કબૂલ્યું હતું.