પાણીની ટ્રેન પાછી મોકલનારા ઉત્તર પ્રદેશની રૂ. ૧૦,૬૦૦ કરોડની સહાયની માગ

Monday 09th May 2016 08:40 EDT
 
 

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશનો બુંદેલખંડ પ્રદેશ કારમા દુકાળમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે ત્યાં પાણી ભરેલી ટ્રેન મોકલતાં અખિલેશ યાદવ સરકારે તે સાતમી મેએ પાછી મોકલી દીધી હતી અને તે જ દિવસે રાજ્યના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ રાજ્યમાં દુકાળની ચર્ચા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચી ગયા હતા. અખિલેશે દુકાળનો સામનો કરવા કેન્દ્ર સરકાર પાસેથી રૂ. ૧૦,૬૦૦ કરોડની માગ કરી હતી, તે ઉપરાંત યાદવે ઉત્તર પ્રદેશના દુકાળગ્રસ્ત જિલ્લાઓમાં પાણી પહોંચાડવા માટે ૧૦,૦૦૦ ટેન્કરોની ખરીદી માટે સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી હતી.

અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, બુંદેલખંડમાં પાણીની અછત નથી, ત્યાંથી બંધ ફક્ત પાંચ કિલોમીટરનાં અંતરે છે. અમારે ફક્ત પાણીનાં વિતરણની વ્યવસ્થા કરવાની છે. દુકાળગ્રસ્ત વિસ્તારોમાં ટ્રેન ગામેગામ જઈ શકે નહીં. ટેન્કરો દ્વારા ગામોમાં પાણી ઝડપથી મોકલી શકાય.

ત્રણ દુકાળગ્રસ્ત રાજ્યોમાં સહાયની ખાતરી

દુકાળની સ્થિતિનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્ય પ્રધાનોએ સાતમી મેએ વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી કેન્દ્ર સરકાર પાસેથી આર્થિક સહાયની માગ કરી હતી. બેઠકોમાં વડા પ્રધાને રાજ્યો દ્વારા દુકાળ સામે લડવા લેવાઈ રહેલાં પગલાંની સમીક્ષા કરી હતી.

દુકાળની લડાઈમાં નારીશક્તિની મહત્ત્વની ભૂમિકા: મોદી

મહિલાશક્તિની પ્રશંસા કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દુકાળ સામે અસરકારક મેનેજમેન્ટમાં નારીશક્તિની ભૂમિકા મહત્ત્વની છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અને સામુદાયિક ભાગીદારી દ્વારા દુકાળ સામે અસરકારક રીતે લડી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter