લઘુમતી બાબતો અને સાંસ્કૃતિક બાબતો અંગેનાં મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેતાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ ૧૮મી માર્ચે ઉદાર અને વિશાળ હૃદયના પારસીઓની વિવિધ ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ પ્રશંસા કરી હતી. કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ પારસી માઇન્ડસેટની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, તેમણે પોતાની જાતને કદી લઘુમતી નથી માન્યા. તેને કારણે જ તેઓ અન્યો માટે રોલમોડલના રૂપમાં ઊભરી આવ્યાં છે. જેટલીએ કહ્યું હતું કે, હકીકતે ભારતની નાનામાં નાની લઘુમતી કહી શકાય તેવા પારસીઓએ ક્યારેય અનુભવ્યું નથી કે તેઓ લઘુમતી છે. તેમના માઇન્ડસેટને કારણે આમ બન્યું છે. દેશવાસીઓ માટે તેઓ આ મુદ્દે રોલમોડલ જેવાં છે.
પારસીઓ પોતાના કપરા કાળમાં ઇરાનથી ભારત આવ્યાં હતાં. તેમણે પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે અને લશ્કર, ઉદ્યોગ સહિતને મોરચે ટોચ પર રહ્યાં છે. ગુજરાતમાં આવેલા ઉદવાડાને વિશ્વ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવા તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે એ વાતની યાદ અપાવી હતી કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે આ દિશામાં પહેલ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન નજમા હેપતુલ્લા, મહેશ શર્મા અને મુખ્તાર અબ્બાસ નકવી હાજર રહ્યા હતા.