ભુવનેશ્વર: આર્કિયિલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)એ તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે, ઓરિસ્સાના પુરીમાં આવેલું જગન્નાથ મંદિર ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે એમ છે. મંદિરની હાલત અત્યંત ખરાબ છે. હવે તેના બાંધકામ પર ભરોસો મૂકી શકાય એમ નથી. મંદિર અત્યંત જોખમી બાંધકામમાં સ્થાન પામે છે. એએસઆઈના અધિકારી જી. સી. મિત્રાએ જણાવ્યું હતું કે જો અત્યારે પગલાં નહીં લેવાય તો મંદિર ગુમાવવાનો વખત આવી શકે છે. આ મંદિર ચાર ધામ પૈકીનું એક હોવાથી તેનું અનેરું ધાર્મિક મહત્ત્વ છે.
વારંવાર ચેતવણી છતાં કેન્દ્ર કે રાજ્ય સરકારે ધ્યાન ન આપતાં આર્કિયોલોજી અધિકારીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું!
મંદિરનું બાંધકામ વર્ષોથી નબળું પડી રહ્યું છે. આ પહેલાં ઓરિસ્સાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે પણ વડા પ્રધાનને પત્ર લખી મંદિર માટે તત્કાળ પગલાં લેવા જણાવ્યું હતું. જોકે રાજ્ય કે કેન્દ્ર કોઈ સરકારે મંદિર પર ધ્યાન આપ્યું નથી. માટે આ ચેતવણી આપ્યા પછી મિત્રાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું.
મંદિરના જગમોહન પરિસરનું રિપેરિંગ થઈ રહ્યું છે, પણ એ રિપેરિંગમાં વધારે પડતો વિલંબ થઈ રહ્યો હોવાથી નવીન પટનાયકે આર્કિયોલોજિકલ સર્વેની ફરિયાદ પોતાના પત્રમાં વડા પ્રધાનને કરી હતી.
૮૫૫ વર્ષ પુરાણું મંદિર
ભગવાન જગન્નાથનું આધુનિક મંદિર સાડા આઠસો કરતા વધુ વર્ષ જૂનું છે. દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે અહીં સપ્તાહ લાંબી ચાલતી રથયાત્રા યોજાય છે. એ માટે આ મંદિર જગવિખ્યાત છે. ૧૧૬૧ની સાલમાં ચોલા સામ્રાજ્યના રાજા અનંતવર્મન દેવે આ મંદિર બંધાવ્યું હતું. મુખ્ય મંદિર તો ૩ છે, પણ આખા સંકુલમાં નાના-મોટા મળીને ૩૧ શિખરબંધ મંદિરો છે. હિન્દુ બાંધકામનો આ મંદિર બેજોડ નમૂનો છે. મુખ્ય મંદિરની ટોચ પર એક ચક્ર ગોઠવાયેલું છે. દૂરથી નાનું દેખાતું એ ચક્ર ૨૦ ફીટ ઊંચુ અને એક ટન વજનનું છે. મંદિર નો ફ્લાય ઝોન જાહેર કરેલું હોવાથી કોઈ વિમાન તેની ઉપરથી ઊડી શકતું નથી.
કબીર, ઈન્દિરા, નાનકને નો એન્ટ્રી
આ મંદિરમાં બિનહિન્દુ અને પરદેશીઓને પ્રવેશ મળતો જ નથી. સદીઓ પુરાણું આ મંદિર તેના નિયમોમાં ભારે સખ્ત છે અને ભલભલા ચમરબંધીઓને પણ પ્રવેશ આપતું નથી. ૧૩૮૯માં સંત કબીરને તો ૧૫૦૫માં ગુરુ નાનકને આ મંદિરે પ્રવેશ આપ્યો ન હતો. ૧૯૦૦ની સાલમાં ભારતના સર્વેસર્વા ગણાતા વાઈસરોય કર્ઝનને પણ મંદિરે પ્રવેશ આપવાની ના પાડી હતી. આ મંદિરે મહાત્મા ગાંધીને તેમના વિવિધ અનુયાયીઓ સાથે પ્રવેશતા અટકાવ્યા હતા. પારસી સાથે લગ્ન કરનારા ઈન્દિરા ગાંધી મંદિરમાં પ્રવેશી શક્યા ન હતા. સ્વિત્ઝરલેન્ડના એક દાનવીરે મંદિરને ૧.૭૮ કરોડ રૂપિયાનું દાન આપ્યું તો પણ તેમને પ્રવેશ મળ્યો ન હતો. દાન ભલે આપો પણ બહારથી! હવે જોકે ભારતીય હોય એવા બૌદ્ધ ધર્મીઓ અને જૈનોને દસ્તાવેજોના આધારે પ્રવેશ મળી શકે છે.