નવી દિલ્હીઃ દેશના ચાર રાજ્યોમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની ૩૨ બેઠકો પર યોજાયેલી પેટા-ચૂંટણીના મંગળવારે જાહેર થયેલા પરિણામો ભાજપ માટે આંચકાજનક પુરવાર થયા છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં માત્ર ચાર જ મહિના પહેલાં જ્વલંત દેખાવ કરનાર ભાજપ તેણે જીતેલી ૨૪માંથી ૧૩ બેઠકો ગુમાવી છે.
અલબત્ત, આ પરિણામોથી કોઇ રાજ્યમાં ભલે નોંધનીય ફરક પડવાનો ન હોય, પણ આ પરિણામો ભાજપના હાઇ કમાન્ડને તેની ભાવિ રણનીતિ વિશે વિચારતા જરૂર કરી દેશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ૧૫ ઓક્ટોબરે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.
મંગળવારે જાહેર થયેલા ૩૨ વિધાનસભા બેઠકોના ચૂંટણી પરિણામોમાં ભાજપે ૧૨, સમાજવાદી પાર્ટીએ ૮ અને કોંગ્રેસે ૭ બેઠકો જીતી છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, ટીડીપી, એઆઇયુડીએફ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)એ એક-એક બેઠક પર વિજય મેળવ્યો છે. સિક્કિમમાં એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી છે.
ઉત્તર પ્રદેશમાં મોટો આંચકો
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ જ રાજ્યમાં ભાજપે સૌથી મોટા પરાજયનો સામનો કર્યો છે. રાજ્યમાં કુલ ૧૧ વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણી યોજાઇ હતી, જેમાંથી ભાજપનો માત્ર ત્રણ બેઠકો પર વિજય થયો છે. જ્યારે મુલાયમ સિંહના સમાજવાદી પાર્ટી (સપા)એ આઠ બેઠકો હાંસલ કરી છે.
ભાજપે જીતેલી બેઠકોમાં નોઇડા, લખનઉ અને સહરાનપુરનો સમાવેશ થાય છે. આમાંથી લખનઉ બેઠક પૂર્વ સાંસદ લાલજી ટંડનના પુત્ર અને ભાજપના ઉમેદવાર ગોપાલ ટંડને જીતી છે.
સપાએ વડા પ્રધાનની લોકસભા બેઠક વારાણસી હેઠળ આવતી લોહાનિયા વિધાનસભા બેઠક જીતી લીધી છે. આ ઉપરાંત તેણે ચરખારી બેઠક પણ કબ્જે કરી છે, જેના પર અત્યાર સુધી ઉમા ભારતીનું વર્ચસ હતું. મૈનપુરી લોકસભા બેઠક સપાના તેજ પ્રતાપ યાદવે જીતી છે.
ગુજરાતમાં ત્રણ બેઠક ગુમાવી
ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલી કરેલી વડોદરા લોકસભા પર યોજાયેલી બેઠકની પેટા-ચૂંટણીમાં ભાજપના રંજનબહેન ભટ્ટે ૩.૨૫ લાખ કરતાં વધુ મતની સરસાઇ સાથે જંગી વિજય મેળવ્યો છે. તેમણે કોંગ્રેસના નરેન્દ્ર રાવતને હરાવ્યા છે. વિધાનસભાની નવમાંથી છ બેઠકો પર ભાજપે જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. કોંગ્રેસે જે બેઠકો પર વિજય મેળવ્યો છે તે ત્રણેય બેઠકો - ખંભાળિયા, માંગરોળ અને ડીસા અગાઉ ભાજપના કબ્જામાં હતી. આમ ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસ માટે આ ઉત્સાહપ્રેરક સફળતા છે.
ભાજપે જે છ બેઠકો જાળવી રાખી છે તેમાં અમદાવાદ (મણિનગર), આણંદ, માતર, ટંકારા, તળાજા, લીમખેડાનો સમાવેશ થાય છે. મણિનગર વિધાનસભા બેઠક નરેન્દ્ર મોદીની બેઠક ગણાતી હતી. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપના સુરેશ પટેલ ૪૯, ૬૪૫ મત મેળવીને વિજેતા થયા છે.
આણંદ વિધાનસભા બેઠક પર રોહિત પટેલે કોંગ્રેસના કાંતિ સોઢા પરમારને હરાવ્યા છે.
માતર બેઠક પર ભાજપના કેસરીસિંહ સોલંકીએ કોંગ્રેસના કાળુસિંહને હરાવ્યા છે.
ટંકારામાં ભાજપના બાવનજી મેતલિયાએ કોંગ્રેસી પ્રતિસ્પર્ધી લલિત કગથરાને હરાવ્યા છે.
તળાજામાં શિવાભાઇ ગોહિલે કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઇ વાળાને હરાવ્યા છે.
લીમખેડામાં વિંછીયી ભૂરિયાએ છત્રસિંહ મોરીને પરાજય આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભાજપની પ્રદેશ નેતાગીરી આ તમામ બેઠકો પર જ્વલંત વિજય મેળવીને વડા પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત મંગળવારે રાજ્યની મુલાકાતે આવી પહોંચેલા નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપવા ઇચ્છતા હતા, પરંતુ તેમના અરમાનો પર કોંગ્રેસે પાણી ફેરવી દીધું છે.
રાજસ્થાનમાં પણ પીછેહઠ
મહિલા મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના નેતૃત્વ હેઠળના રાજસ્થાનમાં પણ ભાજપે પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. અહીં ભાજપ હસ્તકની ચારમાંથી ત્રણ બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. અહીં ભાજપનો માત્ર એક બેઠક પર વિજય થયો છે. કોટા (દક્ષિણ)ની બેઠક પર ભાજપના સંદીપ શર્માએ ૨૫ હજાર કરતાં વધુ મતે વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપનો ગઢ ગણાતી અન્ય ત્રણ બેઠકો - સૂરજગઢ, નસીરાબાદ અને વૈર કોંગ્રેસે જીતી લીધી છે.
ઉલ્લેખનીય છે કે ગયા ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ૨૦૦માંથી ૧૬૩ બેઠકો અને ગયા મે મહિનામાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ ૨૫ બેઠકો પર ભવ્ય વિજય હાંસલ કરનાર ભાજપ માટે આ ચૂંટણી પરિણામો નિરાશાજનક છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ શાસિત અશોક ગેહલોત સરકારને કારમો પરાજય આપ્યો હતો.
સૂરજગઢ બેઠક તો ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ હતી. અહીંથી વસુંધરા રાજેની અગાઉની સરકારમાં આરોગ્ય પ્રધાન રહી ચૂકેલા ડો. દિગંબર સિંહ ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમને કોંગ્રેસના ઉમેદવાર શ્રવણ કુમારે હરાવ્યા છે.
અન્ય રાજ્યો
એક સમયે ડાબેરીઓનો ગઢ ગણાતા પશ્ચિમ બંગાળ રાજ્યમાં મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષ અને ભાજપે એક-એક બેઠક પર વિજય હાંસલ કર્યો છે. બંગાળમાં ભાજપને મળેલી આ સફળતાને જરૂર તેની સિદ્ધિ ગણાવી રહી. જ્યારે આંધ્ર પ્રદેશમાં ટીડીપીએ એક બેઠક, અસમમાં એઆઇયુડીએફ, કોંગ્રેસ અને ભાજપે એક-એક અને ત્રિપુરામાં સીપીએમે એક બેઠક જીતી છે.
પેટા ચૂંટણીના પરિણામ (વિધાનસભા)
ઉત્તર પ્રદેશ (૧૧)
સમાજવાદી પાર્ટી ૮
ભાજપ ૩
ગુજરાત (૯)
ભાજપ ૬
કોંગ્રેસ ૩
રાજસ્થાન (૪)
કોંગ્રેસ ૩
ભાજપ ૧
પશ્ચિમ બંગાળ (૨)
તૃણમૂલ કોંગ્રેસ ૧
ભાજપ ૧
અસમ (૩)
એઆઇયુડીએફ ૧
ભાજપ ૧
કોંગ્રેસ ૧
સિક્કિમ (૧)
અપક્ષ ૧
આંધ્ર પ્રદેશ (૧)
ટીડીપી ૧
ત્રિપુરા (૧)
સીપીએમ ૧
(લોકસભા)
• વડોદરા (ગુજરાત) - ભાજપ
• મૈનપુરી (ઉત્તર પ્રદેશ) - સમાજવાદી પાર્ટી
• મેડક (તેલંગણ) - ટીઆરએસ