નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ પેટીએમ પેમેન્ટ બેન્ક પર 29 ફેબ્રુઆરીથી પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઈના આ નિર્ણય બાદ ફાસ્ટેગ રિચાર્જ, વોલેટ અને તેના બેન્ક એકાઉન્ટમાં નાણા જમા કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ ઘટનાક્રમને પગલે પેટીએમ પેમેન્ટ બેન્ક ભારે ચર્ચામાં છે.
આરબીઆઈએ તેના પર જે પ્રતિબંધો લગાવ્યા છે તેની ગ્રાહકો પર તો કોઇ ખાસ અસર થશે નહીં પણ હવે પેટીએમ પેમેન્ટ બેન્કનું ભવિષ્ય ખતરામાં દેખાઇ રહ્યું છે. જોકે પ્રશ્ન એ છે કે આવી નોબત કેમ આવી? આખરે એવું શું થયું હતું કે પેટીએમ પેમેન્ટ બેન્ક આરબીઆઈની આંખોમાં ખટકવા લાગી હતી? આ મામલે જાણકાર લોકોનું કહેવું છે કે પેટીએમ પેમેન્ટ બેન્કે યોગ્ય ઓળખ સ્થાપિત કર્યા વગર જ સેંકડો ખાતા બનાવ્યા હતાં. આ કારણોસર જ તે આરબીઆઈની રડારમાં આવી ગઈ હતી.
અહેવાલો અનુસાર અપર્યાપ્ત કેવાઇસી ધરાવતાં આ ખાતાઓએ પેટીએમના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની લેવડદેવડ કરી દીધી હતી. અહેવાલો અનુસાર આરબીઆઈની તપાસમાં જાણવા મળ્યું હતું કે 1000થી વધારે યુઝર્સના એકાઉન્ટ્સ ફક્ત એક જ પાન નંબર સાથે જોડાયેલાં હતાં. એટલું જ નહીં, આરબીઆઈ તથા ઓડિટરે જ્યારે બેન્કના કોમ્પ્લાયન્સ રિપોર્ટની ચકાસણી કરી તો તે પણ ખોટી હોવાનું જણાયું હતું. આરબીઆઈને ચિંતા છે કે પેટીએમ પેમેન્ટ બેન્કના કેટલાક ખાતાઓનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કરવામાં આવી શકતો હતો.
ડોક્યુમેન્ટ્સ પીએમઓ સુધી પહોંચ્યા
આરબીઆઈએ પોતાની તપાસમાં સામે આવેલા પરિણામોના રિપોર્ટને ઈડી, ગૃહ મંત્રાલય તથા વડાપ્રધાન કાર્યાલયને મોકલી આપ્યા હતાં. મહેસુલ સચિવે જણાવ્યું હતું કે જો તપાસમાં કોઇ ગેરકાયદે પ્રવૃત્તિના પુરાવા મળશે તો પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પેટીએમ પેમેન્ટ બેન્કની તપાસ કરશે.
પેટીએમ જૂથની અંદર પણ અપારદર્શી સોદા મળ્યા
એવા પણ અહેવાલો છે કે જૂથની અંદર જે સોદા કરવામાં આવ્યા હતાં તેમાં પણ કોઇ પારદર્શિતા જોવા મળી ન હતી. કેન્દ્રીય બેન્કની તપાસમાં ગવર્નન્સ સ્ટાન્ડર્ડની ખામીઓ બહાર આવી હતી. ખાસ કરીને પેટીએમ પેમેન્ટ બેન્ક તથા તેની મૂળ કંપની વન97 કમ્યુનિકેશન્સ લિમિટેડ વચ્ચેના સંબંધોમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. પેટીએમની મૂળ એપના માધ્યમથી કરવામાં આવેલી લેવડદેવડે ડેટા પ્રાઇવસી સાથે જોડાયેલી ચિંતાઓને વધારી દીધી હતી, જેને કારણે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેન્કના માધ્યમથી લેવડદેવડને રોકવાનો નિર્ણય કરવો પડયો છે. વન97 કોમ્યુનિકેશન્સની પાસે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડમાં 49 ટકાની ભાગીદારી છે જોકે તે આ સાહસને પોતાના સહયોગી તરીકે વર્ગીકૃત કરે છે, અનુષંગી કંપની તરીકે નહીં.
પેટીએમ પેમેન્ટ બેન્ક પાસે 31 કરોડ ઇનએક્ટિવ એકાઉન્ટ્સ
નોંધનીય છે કે પેટીએમ પેમેન્ટ બેન્ક પાસે લગભગ 35 કરોડ ઇ-વોલેટ છે. તેમાંના લગભગ 31 કરોડ વોલેટ એક્ટિવ નથી. જ્યારે ચાર કરોડ એકાઉન્ટ એક્ટિવ છે તે પણ કોઇ રકમ વગર અથવા તો ખુબ નજીવી રકમ સાથે ચાલી રહ્યા છે. લાખો એકાઉન્ટ્સમાં કેવાઇસી અપડેટ થયા નથી.