નવી દિલ્હીઃ અમેરિકન પોડકાસ્ટર અને એઆઈ રિસર્ચર લેક્સ ફ્રિડમેને લીધેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. ફ્રિડમેને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉપવાસ અંગેનો દૃષ્ટિકોણ તથા ઉપવાસથી મળતી મદદ અંગે સવાલ પૂછતા પહેલાં તેમણે ખુદ 45 કલાકના ઉપવાસ કર્યા હતા. 45 કલાકમાં તેમણે માત્ર પાણી પીધું હતું. મોદીએ પોડકાસ્ટરને પણ ઉપવાસ બદલ અભિનંદન આપ્યા હતા.
મોદીએ જણાવ્યુ હતું કે, ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી. આ પ્રક્રિયા પરંપરા અને આયુર્વેદ સાથે સંકળાયેલી છે. ઉપવાસથી શરીરના ડિટોક્સિફિકેશનમાં મદદ મળે છે. તેનાથી સુસ્તી કે અશક્તિ નથી આવતાં, પરંતુ વધારે સ્ફૂર્તિ અને ઊર્જાનો અનુભવ થાય છે. બાળપણમાં ઉપવાસની પ્રેરણા મહાત્મા ગાંધી પાસેથી મળી હોવાનું કહેતાં મોદીએ ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીએ ગૌરક્ષા માટે અભિયાન શરૂ કર્યું હતું. તે સમયે દેશભરમાંથી લોકો જાહેર સ્થળે ભેગા થતા અને એક દિવસના ઉપવાસ રાખી વિરોધ નોંધાવતા હતા. આ સમયે સ્કૂલમાં હોવા છતાં મોદીને આ અભિયાનમાં જોડાવાની ઈચ્છા થઈ અને આ સાથે પ્રથમ વખત ઉપવાસનો અનુભવ કર્યો. આટલી નાની ઉંમરે ઉપવાસ કરવા છતાં ભૂખ લાગતી ન હતી કે જમવાની ઈચ્છા થઈ ન હતી. અંદરથી નવી ઊર્જા અને સમજણની અનુભૂતિ થઈ હતી.