મથુરાઃ દિલ્હીની ગાદી પર એનડીએ સરકારનું એક વર્ષ પૂર્ણ થવાની પૂર્વસંધ્યાએ જિલ્લાના નંગલા ચંદ્રભાણમાં રેલી સાથે ભાજપની મહાઉજવણીનો આરંભ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું, ‘હું આ દેશનો પ્રધાનમંત્રી નહીં, પરંતુ પ્રધાનસંત્રી બની રહેવા માગું છું. હું ભ્રષ્ટાચારને જરા પણ સાંખી લેવાનો નથી.’
ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને ગામ અને ગરીબોનાં કલ્યાણ માટે સમર્પિત ગણાવતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે વીતેલા ૩૬૫ દિવસોમાં મેં અને મારી સરકારે જે કામ કર્યું છે તે જો ગણાવવા બેસું તો ૩૬૫ કલાક પણ ઓછા પડશે. અમે દરેક ક્ષણે એક નવો નિર્ણય લીધો છે, હવે ખરાબ દિવસોનો અંત આવી ગયો છે. મેં ક્યારેય દેશને લૂંટનારા માટે અચ્છે દિનની ગેરંટી આપી નથી. જેમના ખરાબ દિવસો આવ્યાં છે તેઓ જ કકળાટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલું નંગલા ચંદ્રભાણ ગામ પંડિત દિનદયાળ ઉપાધ્યાયનું જન્મસ્થાન છે.
ભાજપ અને સાથી પક્ષો દ્વારા દેશભરમાં યોજાનારી ૨૦૦ રેલીઓ પૈકીની પ્રથમ રેલીને સોમવારે સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ તેમની સરકાર દ્વારા ગરીબોનાં કલ્યાણ, સામાજિક સુરક્ષા, આર્થિક સુધારા, રોજગાર, ખેડૂતોનાં કલ્યાણ માટે લેવાયેલાં પગલાંનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. તેમણે અગાઉની વિપક્ષી સરકારો પર આકરા પ્રહાર કર્યાં હતાં. અલબત્ત, તેમણે પોતાનાં સંબોધનમાં વિવાદાસ્પદ જમીન સંપાદન ખરડા અંગે કંઇ પણ ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.
અચ્છે દિન, બુરે દિન
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હવે ખરાબ દિવસોનો અંત આવી ગયો છે. મેં ક્યારેય દેશને લૂંટનારા માટે સારા દિવસોની ગેરંટી આપી નથી. જેમના માઠા દિવસો આવ્યાં છે તેઓ હલ્લાબોલ કરી રહ્યાં છે. મોદીએ જણાવ્યું હતું કે શું તમે છેલ્લા એક વર્ષમાં કોઇ કૌભાંડ, સગાવાદ કે ‘રિમોટ કન્ટ્રોલ’ અંગે સાંભળ્યું છે? ૬૦ વર્ષથી આવા લોકો શાસન કરતાં હતાં.
પરંતુ હવે આવા સત્તાના કેન્દ્રોનો અંત આવી ગયો છે. કેટલા ખરાબ દિવસો અને ખરાબ કામો હતાં? જો તમે આ સરકાર ચૂંટી ન હોત તો પરિવર્તન આવ્યું હોત ખરું?
સભાના પ્રારંભે મોદીએ મથુરાની પવિત્ર ભૂમિને પ્રણામ કરતાં જણાવ્યું હતું કે મથુરાના કણ કણમાં શ્રીકૃષ્ણનો વાસ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં સંદેશ આપ્યો છે કે કર્મ કરતા રહો, ફળની આશા ન રાખો. દીનદયાળ ઉપાધ્યાયે સંદેશ આપ્યો હતો કે થાકો નહીં, અટકો નહીં, ઝૂકો નહીં.. બસ કામ કરતા રહો. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ત્રણ મહાપુરુષોના વિચારોએ આપણું ઘડતર કર્યું છે. તે મહાનુભાવો છે - મહાત્મા ગાંધીજી, લોહિયાજી અને દીનદયાળ ઉપાધ્યાયજી.
મોદીએ જણાવ્યું કે, 'અમે ગરીબો-ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ. વીમા અને પેન્શન યોજનાઓ દ્વારા દેશની જનતાને સામાજિક સુરક્ષા આપી છે. અમે લોકોમાં સામાજિક સુરક્ષાની ભાવના જન્મે તેવું વાતાવરણ સર્જી અટલ પેન્શન યોજનાનો પ્રારંભ કર્યો છે. તમે ક્યારેય કલ્પના કરી હતી કે ૬૦ વર્ષ બાદ ખેડૂતને પેન્શન મળશે? ગરીબ પેન્શનરોને છેલ્લા એક વર્ષથી રૂપિયા ૧૦૦૦ પેન્શન મળી રહ્યું છે. હવે કોઇ પેન્શનરને હયાતીના પુરાવા આપવાની પણ જરૂર નથી. અત્યારે ૧૨ રૂપિયામાં કફન પણ મળતાં નથી. સરકારે ૧૨ રૂપિયામાં વીમા યોજના આપી છે. હવે વિશ્વ ભારત પર વિશ્વાસ મૂકી રહ્યું છે, જેથી વિશ્વમાંથી ભારતમાં મૂડીરોકાણ થઇ રહ્યું છે.’
વડા પ્રધાને જણાવ્યું હતું કે ચૂંટણીના પ્રચારમાં મેં કહ્યું હતું કે જો હું સત્તા પર આવીશ તો હું રોજના એક બિનઉપયોગી કાયદાનો અંત લાવીશ. હવે ૧૩૦૦ કાયદા નાબૂદ કરાશે.
દરેક યુવાનને રોજગારી
વડા પ્રધાને જણાવ્યું હતું કે જો ગરીબી સામે લડવું હશે તો દરેક યુવાનને રોજગાર મળવો જોઇએ. મોટા કોર્પોરેટ ગૃહો મોટા પાયે નોકરીઓનું સર્જન કરતાં નથી. નાના વેપારીઓ અને બિઝનેસમેન જ મહત્તમ મહત્તમ નોકરીઓ પેદા કરે છે. મોદીએ જન-ધન યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે હવે ગરીબોને સબસિડીનો લાભ સીધો બેન્ક એકાઉન્ટમાં મળે છે. ૧૨ કરોડ લોકોની રાંધણ ગેસની સબસિડી સીધી બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે.
દરેક ગરીબને ઘર
મોદીએ જણાવ્યું હતું કે ગરીબ પરિવારો માટે વીજળી અને શૌચાલયની સુવિધા સાથેનું ઘર હોવું જોઇએ. મેં ૨૦૨૨ સુધીમાં દેશના દરેક ગરીબ પરિવાર માટે પોતાનું ઘર હોય તે માટે બીડું ઉઠાવ્યું છે. મારી સરકાર ગરીબો માટે છે અને ગરીબ કલ્યાણ માટે કામ કરી રહી છે. અમે ગરીબો માટે બેન્કના એકાઉન્ટ ખોલાવ્યાં છે. અગાઉ ગરીબોને બેન્કોમાં પ્રવેશ પણ મળતો નહોતો.
ખેડૂતોનું જીવનધોરણ
મોદીએ જણાવ્યું કે છેલ્લા ૬૦ વર્ષમાં ત્રણ લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ મુદ્દાને રાજકીય બનાવવો જોઇએ નહીં. હું ખેડૂતોની આત્મહત્યાની સમસ્યાનો ઉકેલ શોધવા માગું છું. અમે ખેડૂતો માટે સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની વિચારણા કરી રહ્યાં છીએે. અમે ખેડૂતોને વીજળી અને સિંચાઇની સુવિધાઓ આપવા માગીએ છીએ. અમે ખાતરના ત્રણ કારખાના શરૂ કરીશું.
કામ મોટું, પણ પ્રજાને ભરોસો
એનડીએ સરકારના એક વર્ષ સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રવિવારે જણાવ્યું હતું કે મોદી સરકાર માટે લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાનું કામ ગંજાવર હોવા છતાં આ સરકારના ઈરાદા અંગે જનતાને વિશ્વાસ છે.
સંઘે તેના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’ના તંત્રીલેખમાં લખ્યું છે કે ‘ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે મેળવેલા વિજયનો વ્યાપ જ એટલો હતો કે પાંચ વર્ષ માટેની કામગીરીનો સરકાર પાસેથી એક જ વર્ષમાં હિસાબ માંગવામાં આવી રહ્યો છે.’ મોદી સરકારના શાસનના એક વર્ષે જનતાનો મિજાજ પારખવા ‘ઓર્ગેનાઈઝર’ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણના તારણોમાં એનડીએ સરકારને એવી લાલ બત્તી પણ ધરવામાં આવી છે કે પાંચ વર્ષનો સંપૂર્ણ એજન્ડા સુનિશ્ચિત કરવાનો માર્ગ આસાન નથી.
૨૦૦ રેલી, ૫૦૦૦ સભા
દિલ્હીમાં મોદી સરકારના એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ભાજપ રંગેચંગે કરશે. વીતેલા વર્ષમાં સરકારે કેવી સિદ્ધિઓ મેળવી તેની જાણકારી લોકો સુધી પહોંચાડવાના આશય સાથે દેશભરમાં લોકસભા ચૂંટણીની જેમ રેલીઓ અને સભાઓ યોજાશે. પક્ષે મોદી સરકારની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશમાં ૨૦૦ રેલીઓ અને ૫૦૦૦ જનસભાનું આયોજન કર્યું છે. આ સિરિઝના ભાગરૂપે વડા પ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના નંગલા ચંદ્રભાણ ગામમાં એક રેલી સંબોધી હતી. આ ગામ ઉપાધ્યાયનું જન્મ સ્થળ છે.
આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને બીમાર હોવા છતાં આમંત્રણ અપાયું હતું, પણ પક્ષના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને બોલાવાયા ન હોવાથી વિવાદનો વંટોળ ઉઠ્યો હતો.
વરિષ્ઠ ભાજપ નેતા અને કેન્દ્રીય પ્રધાન અનંત કુમારે ૨૫થી ૩૧ મે દરમિયાન જનકલ્યાણ પર્વના ભાગરૂપે થનારા કાર્યક્રમોની માહિતી આપતા કહ્યું હતું કે તમામ કેન્દ્રીય પ્રધાનો, સાંસદ, મુખ્ય પ્રધાનો તેમ જ ધારાસભ્યો અને પક્ષના કેન્દ્રીય તથા રાજ્ય કાર્યાલયના પદાધિકારીઓ સરકારની ઉપલબ્ધિઓના ગુણગાન ગાવા દેશભરમાં પ્રવાસ કરશે. કુમારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના નવા પગલાંની જાણકારી આપવા કુલ ૨૦૦ પત્રકાર પરિષદો યોજાશે.
એક વર્ષમાં...
૧૦ સિદ્ધિ
૧. જન-ધન યોજના અંતર્ગત ૨૫ કરોડ બેન્કખાતા ખોલાયા, બેન્કો દ્વારા આશરે દસ કરોડ રૂપે ડેબિટ કાર્ડ ઇશ્યુ થયા
૨. કોર્પોરેટ સેક્ટરે મંદીમાં સ્વચ્છ ભારત અભિયાનને અપનાવ્યું
૩. રાંધણ ગેસની સબસિડી સીધી બેન્ક એકાઉન્ટમાં, ડિઝલ અંકુશમુક્ત
૪. સંરક્ષણ ક્ષેત્રે ૪૯ ટકા જ્યારે વીમાક્ષેત્રે ૪૯ ટકા એફડીઆઈ
૫. ૧૦૦ સ્માર્ટ સિટીને મંજૂરી, જીએસટી લાગુ કરાશે
૬. મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા લોન્ચ કર્યું
૭. મુદ્રા બેંક ૨૦ હજાર કરોડ રૂપિયા સાથે શરૂ, નાના ઉદ્યોગોને લોન
૮. સ્ટીલ, કોલસો અને વીજળી પ્રોજેક્ટ માટે સિંગલ વિન્ડો સ્કીમ લાગુ
૯. પૂરગ્રસ્ત કાશ્મીર માટે રૂ. ૧૦૦૦ કરોડ, નેપાળમાં ભૂકંપપીડિતોને સહાય
૧૦. અન્ય દેશો સાથે ભારતમાં રોકાણ માટે કરારો
૧૦ પડકારો
૧. જમીન સંપાદન બિલને પસાર કરવું મુશ્કેલ, ભારે વિરોધ
૨. વધી રહેલી મોંઘવારીને કાબૂ કરવી
૩. રોજકાષીય ખાધને ત્રણ ટકા સુધી સીમિત કરવી
૪. વિદેશમાં જમા કાળું નાણું પરત લાવવું, કાયદો લાગુ કરવો
૫. પાંચ નવા જાહેર કરાયેલા અલટ્રા મેગા વીજળી યોજનામાં અત્યાર સુધી કોઈ પ્રગતિ નથી
૬. નવા બેંકિગ લાઇસન્સ જારી કરવાના બાકી
૭. મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ (એમએટી) મુદો વણઉકેલ
૮. લઘુમતીઓ, દલિતો પર થતા હુમલા, મહિલાઓ પર થતો અત્યાચાર અન્ય ગુના નાથવા
૯. ભ્રષ્ટાચારને કાબૂમાં કરવા ટેકનોલોજીનો સિસ્ટમમાં અમલ કરવો
૧૦. પ્રાથમિક જરૂરિયાતો જેમ કે ૨૪ કલાક વીજળી, પાણી, સેનિટેશન પૂરા પાડવા
૧૦ વિવાદો
૧. ઘરવાપસીના મુદ્દે મોદી સરકારે નુકસાન ભોગવવું પડ્યું
૨. ચર્ચ પર હુમલા થયા, વૈશ્વિક સ્તરે છાપ ખરડાઈ
૩. ભાજપશાસિત કેટલાક રાજ્યોમાં ગૌમાંસ પર પ્રતિબંધથી વિવાદ
૪. જમીન સંપાદન બિલનો ખેડૂતોમાં વિરોધ
૫. કાશ્મીરમાં અલગતાવાદીની મુક્તિ
૬. ભાજપના નેતાઓના ઉશ્કેરણીજનક નિવેદનો
૭. સેન્સર બોર્ડના ચેરમેન, આઇઆઈટીના ટોચના અધિકારીઓના રાજીનામાં
૮. ઈન્ટરનેટની આઝાદી છિનવાઈ રહ્યાનો આક્ષેપ
૯. એલઓસી પર અનેક વખત ફાયરિંગ, ચીનની ઘૂસણખોરી યથાવત્
૧૦. વિદેશની ધરતી પર મોદીએ વિરોધ પક્ષની આકરી ટીકા કરી વિવાદ સર્જ્યો