નવી દિલ્હીઃ ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે ગુરુવારે લોકસભામાં મોદી સરકારનું બીજું અને વર્ષ ૨૦૧૬-૧૭નું રેલવે બજેટ રજૂ કર્યું હતું. રેલવે પ્રવાસીઓને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલી આ બજેટમાં ભાડાવધારો ટાળવામાં આવ્યો છે તો સાથોસાથ મહિલાઓ, સિનિયર સિટિઝનો માટે પણ વિશેષ જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં મહિલાઓ માટે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરવાની જાહેરાત કરાઇ છે. આ ઉપરાંત મહિલા પ્રવાસીઓને રિઝર્વેશનમાં ૩૩ ટકા અનામતનો લાભ મળશે. રેલવે બજેટમાં ગુજરાત કેન્દ્રીત જાહેરાતમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રારંભ અને વડોદરા ખાતે દેશની પ્રથમ રેલ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય મુખ્ય છે. આ ઉપરાંત સુપ્રસિદ્ધ યાત્રાધામો સોમનાથ અને દ્વારકાના રેલવે સ્ટેશનોનું બ્યુટિફિકેશન કરાશે.
રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ બજેટ અગાઉ નિવેદન આપતાં કહ્યું હતું કે ‘હમ ન રુકેંગે, હમ ન ઝૂકેંગે.’ અમારે એક એવી રેલ સેવા ઊભી કરવી છે કે નાગરિકો ગૌરવ અનુભવી શકે. રેલ ભાડા વધારવાની પરંપરાગત વિચારશૈલીમાં બદલાવ કરવા ઈચ્છીએ છીએ એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ફક્ત પ્રવાસી ભાડા વધારીને રેલવેમાં કમાણી ઊભી કરવામાં નહીં આવે. માલભાડા વધારીને રેલભાડા સરભર કરાશે. કમાણીના અન્ય સાધનો પણ ઊભા કરાશે. રેલવેએ રૂ. ૮૭૨૦ કરોડની બચતનો લક્ષ્ય નિર્ધારિત કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
રેલવે પ્રધાને કહ્યું હતું કે તંત્રની કામ કરવાની પદ્ધતિઓમાં ફેરફાર કરવો જરૂરી છે. દુનિયામાં મંદીની અસર પડી રહી છે. જોકે આ વખતે રેલવેમાં બમણું મૂડીરોકાણ કરાશે. વર્ષ ૨૦૨૦ સુધીમાં લોકોની આશાઓ પૂરી કરાશે તેવી ખાતરી ઉચ્ચારતા તેમણે જણાવ્યું હતું કે અમારો પ્રયાસ રહેશે કે જરૂરત પ્રમાણે સૌ કોઈને રિઝર્વેશન મળી રહે.
રેલવે બજેટમાં કરાયેલી મહત્વની જાહેરાતો પર એક નજર...
ચાર પ્રકારની નવી ટ્રેનોનું એલાન
• અંત્યોદય એક્સપ્રેસ: લાંબા અંતર માટે અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન ચાલશે. સામાન્ય લોકો માટે અંત્યોદય એક્સપ્રેસ ચલાવાશે, જેમાં જનરલ ડબ્બા જ રહેશે.
• હમસફર એક્સપ્રેસ: હમસફર એક્સપ્રેસમાં ભોજનની વ્યવસ્થા રહેશે. આ ઉપરાંત ટ્રેન સંપૂર્ણ થર્ડ એસી રહેશે
• ઉદય એક્સપ્રેસ: ઉદય ડબલ ડેકર એસી ટ્રેનો રહેશે અને રાત્રે ચાલશે
• તેજસ એક્સપ્રેસ: આ ટ્રેનો કલાકે ૧૩૦ કિલોમીટરની ઝડપે ચાલશે. તેજસ એક્સપ્રેસમાં મનોરંજન માટે વાઈ-ફાઈની સગવડ હશે.
ગુજરાતને શું મળ્યું?
• અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈ-સ્પિડ બુલેટ ટ્રેનનું કામ શરૂ થશે. જપાનની મદદથી પ્રોજેક્ટ સાકાર થશે
• વડોદરામાં રેલ યુનિવર્સિટીની સ્થાપના.
• સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા અને સોમનાથ રેલવે સ્ટેશનોનું બ્યુટીફિકેશન કરાશે
• અમદાવાદમાં સબ-અર્બન ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ
• તીર્થસ્થાનો માટે આસ્થા સર્કીટ ટ્રેનો ચલાવાશે
મહિલાઓ શું મળ્યું?
• મહિલાઓ માટે રિઝર્વેશન કેટેગરીમાં ૩૩ ટકા અનામત
• મહિલા મુસાફરોને વિશિષ સુવિધા પર ખાસ ભાર
• કોચમાં વચલા બર્થની ફાળવણી મહિલાઓને કરાશે
• બાળકો માટે બેબીફૂડ, ગરમ દૂધ અને ગરમ પાણી જેવી સુવિધા મળશે
• મહિલાઓ માટે ૨૪ કલાક હેલ્પલાઈન નંબર ૧૮૨
અન્ય જાહેરાતો
• નોન-એસી કોચમાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને ડસ્ટબીન મૂકાશે
• ૪૦૮ રેલવે સ્ટેશનો પર ઈ-કેટરિંગની સુવિધા મળશે
• જનરલ બોગીમાં રૂપિયા આપીને બેડ ખરીદી શકાશે
• ચેન્નઈમાં ભારતનું પહેલવહેલું રેલવે ઓટોહબ
• દિવ્યાંગ લોકો માટે અલગથી ટોઈલેટ વ્યવસ્થા
• કન્સેશન પાસ ધરાવતા પત્રકારો માટે ઈ-બુકિંગની સુવિધા
• ચાલુ વર્ષે ૧૦૦ સ્ટેશનોમાં વાઈફાઈ સુવિધા, આગામી બે વર્ષમાં વધુ ૪૦૦ સ્ટેશનો સાંકળી લેવાશે.
• ચાલુ વર્ષે રેલ્વેમાં ૧૬૦૦ કિમી ઈલેક્ટ્રીફિકેશન થશે. આગામી વર્ષ માટે ૨૦૦૦ કિમીનો લક્ષ્યાંક
• રેલવે ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચરમાં આગામી ૫ વર્ષમાં ૮.૫ લાખ કરોડ વાપરવાની રેલવે પ્રધાનની જાહેરાત
• તમામ રેલવે સ્ટેશનો પર આગામી બે થી ત્રણ વર્ષમાં એલઈડી લાઈટ્સ લગાવાશે
• આ વર્ષે ૧૭,૦૦૦ બાયો-ટોયલેટ્સ બનાવવામાં આવશે
• રેલવેના ભાડાઓમાં કોઈ વધારાની જાહેરાત નહી, નૂરભાડામાં પણ વધારો નહીં
• કોલકતા મેટ્રોનો ૧૦૦ કિલોમીટર સુધીનો વિસ્તાર ૨૦૧૮ સુધીમાં કરાશે
• ૨૫૦૦ નવા વોટર વેન્ડિંગ મશીન મુકાશે
• કુલીઓને સહાયકના નામે ઓળખાશે.
• મુંબઈમાં ચર્ચગેટ-વિરાર, સીએસટી-પનવેલ એલિવેટેડ રેલ
• રેલવેને પેપરલેસ બનાવાશે
• મુંબઈમાં પ્લેટફોર્મ ઊંચા કરાશે
• મુંબઈ મેટ્રોને રેલવે સાથે જોડવામાં આવશે
• દિલ્હીમાં રિંગ રોડની જેમ રિંગ રેલની વ્યવસ્થા, દિલ્હી રિંગ રેલમાં ૨૧ સ્ટેશન હશે
• દરેક એ-વન ક્લાસ દિવ્યાંગ ફ્રેન્ડલી ટોઈલેટ
• દિવ્યાંગો માટે વન ટાઈમ રજિસ્ટ્રેશનની સુવિધા
• મનોરંજન માટે એફએમ સુવિધા પર વિચાર
• દરેક ટ્રેનમાં દિનદયાલ કોચ દાખલ કરાશે
• કલાકના હિસાબે રિટાયરિંગ રૂમનું બુકિંગ થશે
• ટ્રેનમાં સફર દરમિયાન વીમાની સુવિધા અપાશે
• તીર્થસ્થાનો માટે આસ્થા સર્કીટ ટ્રેનો ચલાવાશે
• તત્કાલ ટિકિટોના બુકિંગ માટે ખાસ સીસીટીવી લગાડવામાં આવશે
• વિકલ્પ ટ્રેનનો વિસ્તાર કરવામાં આવશે
• યાત્રીઓ એસએસએમ દ્વારા રેલવેમાં સફાઈની માગ થઇ શકશે
• હમસફરમાં એસી બોગી અને ભોજનની વ્યવસ્થા રહેશે, જે સંપૂર્ણ થર્ડ એસી રહેશે
• સુરક્ષા માટે રેલવે હેલ્પલાઈન નંબર ૧૮૨ જાહેર
• યાત્રીઓની ફરિયાદ માટે ફોનલાઈન કાર્યરત
• સુધારા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ
• પૂર્વોત્તર ભારત અને જમ્મુ અને કાશ્મીરને રેલવેથી સાંકળવી એ પ્રાથમિકતા
• વરિષ્ઠ નાગરિકોના કોટાના ૫૦ ટકા રિઝર્વેશનમાં વધારો
• મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુકિંગની સુવિધા
• વિશ્રામગૃહની ઓનલાઈન બુકિંગ
• ટિકિટ માટે લાઈનો ખતમ કરવી એ લક્ષ્યાંક
• પીપીપી દ્વારા ૪૦૦ રેલવે સ્ટેશનનો વિકાસ
• આગામી બે વર્ષોમાં ૪૦૦ રેલવે સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા
• યાત્રી ટ્રેનોની સરેરાશ સ્પીડ પર કલાક ૮૦ કિમી કરવાનો લક્ષ્યાંક
• રેલવેમાં તમામ પદો પર ઓનલાઈન ભર્તી થશે
• રૂ. ૧,૮૪,૮૨૦ કરોડની આવકનો અંદાજ, ૨૦૧૬-૧૭માં રૂ. ૧.૮ લાખ કરોડની રેવન્યુ પર ધ્યાન
• આવતા વર્ષે ૨૮૦૦ રેલવે પથ કાર્યરત કરવાનો લક્ષ્યાંક
• ૨૦૨૦ સુધીમાં ૯૫ ટકા ટ્રેનોને ટાઈમ પર ચલાવવાનું રેલવેનું લક્ષ્યાંક
• પૂર્વોત્તર રાજ્યો માટે વધુ સારી સંપર્ક વ્યવસ્થા પર જોર અપાશે
• ૨૦૨૦ સુધીમાં જ્યારે ઈચ્છો ત્યારે ટિકિટની વ્યવસ્થા અમલી કરાશે
• રૂ. ૪૦ હજાર કરોડના રોકાણે બે રેલવે એન્જિનની ફેક્ટરી માટે કામ
• મેક ઈન ઈન્ડિયાથી રૂ. ૪૦ હજાર કરોડનું રોકાણ
• બિહાર સહિત પૂર્વીય રાજ્યોમાં રોજગાર અપાશે