નવી દિલ્હીઃ ભાજપને મુશ્કેલીમાં મૂક્યા પછી હવે લલિત મોદીએ કોંગ્રેસ અને ગાંધી પરિવારને આડે હાથ લીધા છે. લલિત મોદી ટ્વિટર પર દાવો કરે છે કે, હું લંડનમાં પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડરાને મળ્યો હતો.’ આથી સુષમા સ્વરાજ અને વસુંધરા રાજેના લલિત મોદી સાથેના સંબંધોને કારણે ઘેરાયેલી મોદી સરકાર અને ભાજપને કોંગ્રેસ પર વળતા પ્રહાર કરવાનો મુદ્દો મળી ગયો છે. આ ટ્વિટ પછી ભાજપના પ્રવક્તા સમ્બિત પાત્રાએ જણાવ્યું હતું આ મુલાકાત શા માટે યોજાઈ હતી? આટલાં વર્ષોથી ગાંધી પરિવાર શા માટે લલિત મોદીના સંપર્કમાં છે તેની સ્પષ્ટતા સોનિયા ગાંધીએ કરવી જોઇએ. બ્રિટન લલિત મોદીનું પ્રત્યાર્પણ કરવા તૈયાર હતો પરંતુ કોંગ્રેસ ઇચ્છતી નહોતી કે તે ભારત પાછા આવે, કારણ કે લલિત મોદીને ગાંધી પરિવારનું સંરક્ષણ હતું. જોકે, કોંગ્રેસે મોદીના આ નિવેદનના વળતા જવાબમાં જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટમાં કોઇની સાથે મુલાકાત અપરાધ નથી. લલિત મોદી ભાજપના ઇશારે ધ્યાન અન્યત્ર ખેંચવાના પ્રયાસ કરી રહ્યા છે.
મોદીને નિવૃત્ત જજ અને પત્રકારે મદદ કરી હતી
પૂર્વ આઈપીએલ કમિશનર લલિત મોદીને મદદ કરનારાઓમાં સુપ્રીમ કોર્ટના ૩ જજ, પત્રકાર પ્રભુ ચાવલા અને મુંબઈના પૂર્વ કમિશનર પણ સામેલ હોવાનો આજ તક ચેનલે ઘટસ્ફોટ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ જીવન રેડ્ડી અને એલ. બી. સિંહા ઉપરાંત જાણીતા પત્રકાર પ્રભુ ચાવલા તેમ જ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ઉમેશ બેનર્જીએ મોદીને લંડનમાં રહેવા માટે કાનૂની મદદ કરી હતી. કાડેન બોરિસ પાર્ટનર્સ નામની કાયદા કંપનીના સ્થાપક હેમંત બત્રાએ હમણાં જ જાહેર કર્યું હતું કે તેમની કાયદા કંપનીએ લલિત મોદીના ઈમિગ્રેશન કેસમાં કામ કર્યું હતું. બત્રાએ આ કામમાં પૂર્વ જજ બેનર્જીને મદદ કરી હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો હતો.