ફરીદાબાદમાં ઉર્દૂમાં રામલીલા

Thursday 13th October 2016 09:13 EDT
 
 

નવી દિલ્હીઃ ફરીદાબાદમાં હિંદી કે સંસ્કૃતમાં નહીં, પરંતુ ઉર્દૂ ભાષામાં રામલીલા થાય છે. આ રામલીલામાં ઉર્દૂ સંવાદોની ભરમાર જોવા મળતી હોવાથી તેને ઉર્દૂ રામલીલા કહેવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે આ રામલીલાની શરૂઆત આઝાદી પહેલાં પાકિસ્તાનમાં થઇ હતી. ભાગલા પહેલાં લાહોર ખાતે ઉર્દૂ શબ્દોના પ્રભાવવાળી રામલીલા ખૂબ ભજવવામાં આવતી હતી. આ રામલીલા કમિટીના કલાકારોના જણાવ્યા અનુસાર અમારા વડવાઓ જયારે પાકિસ્તાનથી અહીં રહેવા આવ્યા ત્યારે ઉર્દૂ શબ્દોવાળી આ સ્કિપ્ટ લાવ્યા હતા. જે તે સમયે લાહોરમાં ભજવાતી રામાયણની સ્કિપ્ટને યથાવત રાખીને આ પરંપરા જાળવી રાખી છે.

જોકે ઓરિજનલ ઉર્દૂ રામલીલા અઘરી હોવાથી તેના શબ્દોમાં થોડા ફેરફાર કરીને બોલચાલના અને બધા જ સમજી શકે તેવા વ્યહવારુ ઉર્દૂ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. નવી પેઢીના ઘણા કલાકારો રામલીલાના સંવાદો ઉર્દૂમાં બોલવા માટે ટેવાતા ન હતા પરંતુ હવે ફાવટ આવી ગઇ છે. જેમ કે મૌત કા તાલીબ હું મૈં, મેરી લબો પે જાન હૈ, ઘડી કા મુસાફિર આપ કા મેહમાન હૈ આવા ઉર્દૂ શબ્દો બોલવામાં હવે કોઇ જ મુશ્કેલી પડતી નથી. જીગર, સંગદિલ સનમ જેવા શબ્દો પણ આ રામલીલામાં સાંભળવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉર્દૂ રામાયણની સ્ક્રિપ્ટ આજથી ૭૦ વર્ષ પહેલાં જસવંતસિંહ નામના એક હિંદી પંજાબીએ લખી હતી. આથી આ પરંપરાને ફરીદાબાદની રામલીલા કમિટી જાળવી રાખવા માગે છે. કલાકારોનું માનવું છે કે લોકો એવું માને છે કે ઉર્દૂ શીખવા સમજવામાં ખૂબજ અઘરી પડતી હોવાથી આજની પેઢીને ઉર્દૂ આવડતી નથી, આવી જ રીતે તેમને સંસ્કૃત પણ આવડતી નથી. આથી આ બંને ભાષાનો એક સાથે જ પરિચય કરાવવામાં આવે તે જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter