નાગપુરઃ સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ક્યૂરેટિવ પિટિશન ફગાવાયા પછી ૧૯૯૩ના મુંબઈ બોંબ વિસ્ફોટ કેસના આરોપી યાકુબ મેમણે ફાંસીથી બચવા માટે અંતિમ પ્રયાસ કર્યો છે. મેમણે ૨૧ જુલાઇએ સાંજે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ સમક્ષ દયાની અરજી કરી છે. યાકુબને ૩૦ જુલાઈએ નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવશે અને તેનાથી બચવા માટે આ તેનો આખરી દાવ છે. આ વિસ્ફોટ કેસમાં મોતની સજા પામનારા એકમાત્ર મેમણે પોતાની અરજી નાગપુર સેન્ટ્રલ જેલના અધિકારીઓને આપી હતી. નાગપુર જેલમાં બંધ મેમણે આ પિટિશન તેના વકીલ ગેદમ સાથે મુલાકાત બાદ આપી હતી. મેમણના ભાઈ અસલમે પણ વકીલની સાથે મુલાકાત કરી હતી. જ્યારે વકીલોને આ અપીલની કાયદેસરતા અંગે પૂછાયું તો ગેદમે કહ્યું કે, ગત અપીલ યાકુબ મેમણના ભાઈ સુલેમાન મેમણે ભરી હતી, જ્યારે રાજ્યપાલને નવી અપીલ યાકુબે જાતે કરી છે.