કોચ્ચીઃ આજકાલ કેરળમાં હોટેલ સંચાલકો મુશ્કેલીમાં છે. 2020માં મહામારીને કારણે લોકડાઉન લદાયું તે પહેલાં સમુદ્રકિનારાના આ શહેર કોચ્ચીમાં ડચ કબ્રસ્તાનની નજીક આવેલી બેસ્ટન હોટલમાં 40 કર્મચારી હતા. હવે વેપાર પાટે ચઢ્યો હોવાથી તેને એટલા જ કામદારોની જરૂર છે. જોકે, તેને માત્ર 20 લોકોથી કામ ચલાવવું પડી રહ્યું છે. અન્ય હોટેલો, કેફે અને બારની પણ આવી જ સ્થિતિ છે.
હકીકતમાં, હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં આ સ્થિતિ કામદારોના મોટી સંખ્યામાં કતાર જવાને કારણે સર્જાઇ છે. તેઓ ત્યાં વર્લ્ડ કપ ફૂટબોલ જોવા નહીં, પરંતુ કામ કરવા ગયા છે. બેસ્ટન હોટેલના સંચાલક જ્યોર્જ કહે છે, તેણે છેલ્લા વીસ વર્ષમાં પોતાના બિઝનેસમાં આટલી ઝડપથી કામદારોને નોકરી છોડતા જોયા નથી. 30 લાખથી ઓછી વસતીના કતારમાં 20 નવેમ્બરથી શરૂ થયેલા અને 18 ડિસેમ્બર સુધી ચાલનારા ફૂટબોલ વર્લ્ડ કપમાં 15 લાખ લોકોના આવવાનો અંદાજ છે. સ્ટેડિયમો અને અન્ય નિર્માણોની સાથે બનેલી નવી હોટેલો સંચાલિત કરવા સ્ટાફની જરૂર છે. મોટી સંખ્યામાં આવા કર્મચારી ભારતમાંથી ગયા છે.
કેરળમાં કતાર માટેનું આકર્ષણનું મુખ્ય કારણ પૈસા છે. અહીં પ્રારંભિક વેતન પ્રતિ માસ રૂ. 80 હજાર છે. કેરળમાં આવા જ કામ કરતાં છ ગણું વધારે. કતાર ગયેલા કર્મચારીઓને સ્થાને નવા લોકોની નિમણૂક માટે રાજ્યમાંથી લોકો મુંબઇ સહિતના અન્ય શહેરોમાં શોધ ચલાવી રહ્યા છે. નવા કામદારોના પોશાક પર નામની સાથે જ ટ્રેઈની પણ લખવામાં આવ્યું હોય છે. જ્યોર્જ કહે છે કે, તેમને કસ્ટમરનું સ્વાગત સ્મિત સાથે કરવાની પણ તાલીમ આપવી પડે છે. ભારતની એક મોટી હોટલચેઇને તો પોતાના સીનિયર કર્મચારીઓને નવું કામ સંભાળવા કતાર મોકલ્યા છે.
કામદારોમાં મોટા ભાગનાના કોન્ટ્રાક્ટ ત્રણ મહિનાના છે, જે વર્લ્ડ કપ ફાઈનલ પછી ડિસેમ્બરના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે. જોકે, પાછા આવનારા કર્મચારીઓનું ખુલ્લા હાથે સ્વાગત કરવામાં આવશે. ખાલી જગ્યાઓ ભરવાની તાતી જરૂર એટલા માટે પણ છે કેમ કે ટૂરિઝમ અને લગ્નોની સિઝન પણ શરૂ થઈ ચુકી છે.
કેરળમાં વર્ષે રૂ. 1.47 લાખ કરોડની આવક
લાંબા સમયથી કતાર અને મધ્ય પૂર્વના દેશોમાં કેરળમાંથી મોટી સંખ્યામાં હોટેલ ઈન્ડસ્ટ્રી માટે કામદાર જાય છે. રાજ્ય સરકારે ખૂબ જ સારી અંગ્રેજી ભાષી સ્કૂલો બનાવી છે, પરંતુ લોકો પાસે પૂરતી નોકરીઓ નથી. રાજ્યના 20 લાખથી વધુ વ્યક્તિ વિદેશમાં મુખ્યત્વે ખાડી દેશોમાં કામ કરે છે. આ કામ કરનારી વસતીના 17 ટકા છે. તેઓ દર વર્ષે રાજ્યના ઉત્પાદનના લગભગ 14 ટકા જેટલા એટલે રૂ. 1.47 લાખ કરોડ વિદેશથી હોમ સ્ટેટમાં મોકલે છે.