નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી એક વેબ સિરીઝને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે આ વેબ સિરીઝને રિલીઝ કરનાર કંપની ઈરોઝનાઉને એક નોટિસ મોકલીને વેબ સિરીઝને તાકીદે હટાવવાનું જણાવ્યું છે તો સાથોસાથ તેને પ્રસારિત કરવા સામે મનાઇ ફરમાવી છે. ચૂંટણી પંચે આદેશમાં જણાવ્યું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે ‘મોદીઃ જર્ની ઓફ અ કોમન મેન’ના પાંચ એપિસોડ તમારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તમને આગામી આદેશ સુધી આ વેબ સિરીઝના એપિસોડનું ઓનલાઈન સ્ટ્રીમિંગ અટકાવવા અને આ સિરીઝ સંબંધિત તમામ સામગ્રીને હટાવવાના નિર્દેશ આપવામાં આવે છે. આ અગાઉ વડા પ્રધાન મોદી પર આધારિત બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની રિલીઝ પર ચૂંટણી સુધી ચૂંટણી પંચે સ્ટે મૂકી દીધો છે.