ફોર્ચ્યુન-૫૦૦ના સીઈઓને કહ્યુંઃ ભારત બદલાઈ રહ્યું છે

Wednesday 30th September 2015 06:30 EDT
 
 

ન્યૂ યોર્કઃ ફોર્ચ્યુન - ૫૦૦માં સામેલ ટોપ ૪૨ અમેરિકન કંપનીઓના સીઈઓ મોદી સરકારના મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટને સપોર્ટ કર્યો છે. ઘણા સીઈઓએ કહ્યું હતું કે એક વર્ષમાં ઘણા સુધારા થયા છે. પણ ઘણા હજુ થવાના બાકી છે. મીડિયા મુઘલ રૂપર્ટ મર્ડોકે કહ્યું હતું કે મોદી દુનિયાના સૌથી કોમ્પ્લેકસ નેશનના શ્રેષ્ઠ લીડર છે. મોદી આઝાદ ભારતમાં સારી નીતિઓ ધરાવતા સૌથી સારા નેતા છે. પણ તેમણે આ જટિલ દેશમાં લક્ષ્યોને મેળવવાનો મુશ્કેલ કામ કરવાનું છે.
નરેન્દ્ર મોદીએ અમેરિકાની ટોચની કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સમક્ષ ભારતની આર્થિક સ્થિતિની રજૂઆત કરી હતી. તેમણે ભારતમાં વ્યવસાય કરવામાં આવી રહેલા અવરોધો દૂર કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. તેમણે ઉદ્યોગોના પ્રમુખો સમક્ષ સરકારના સુધારા એજન્ડાની તસવીર રજૂ કરી હતી.

મોદીએ ડિજિટલ ડિનરમાં કહ્યું...

• હું આપને દિલ્હી, ન્યૂ યોર્ક, ફેસબૂક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ પર મળી ચૂક્યો છું. ફેસબૂક, ટ્વીટર આપણા નવા પડોશી છે.
• ફેસબૂક એક દેશ હોત તો સૌથી વધુ વસતીવાળો તે ત્રીજો દેશ હોત. ફેસબૂક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામે બધાને રીપોર્ટર બનાવી દીધા છે.
• હવે તમે ઊંઘો છો કે જાગો છો તેના કરતાં ઓનલાઈન છો કે ઓફલાઈન તેવા તમારા સ્ટેટસનું મહત્વ વધ્યું છે.
• હરિયાણાના એક પિતાએ પુત્રીઓ માટે સેલ્ફી વીથ ડોટરની પહેલ કરી તો તે વિશ્વ આંદોલન બન્યું.
• ભારતના ગામમાં માતા નવજાતને બચાવી રહી છે. બાળકોને વધુ સારા શિક્ષણની તકો મળી રહી છે. સાન ફ્રાન્સિસ્કોમાં રહેતો પ્રોફેશનલ દરરોજ ભારતમાં બીમાર દાદી પર સ્કાઈપે સાથે વાત કરી શકે છે.

અમેરિકી સીઈઓની આશા

• જેપી મોર્ગનના સીઈઓ જેમ્સ ડિમોન કહે છે કે સરકાર તરફથી પહેલા જ ઘણા પ્રકારના સુધારાના કામ કરાયા છે. તેવામાં હવે અમેરિકન કંપનીઓ તરફથી આ મુખ્ય સંદેશ છે કે તમે જેવા પણ હો, જે પણ કામ કરતા હો, તેને કરતા રહો.
• બ્લેક સ્ટોનના સીઈઓ સ્ટીફન એ. શ્વાર્જમેને કહ્યું હતું કે સીઈઓએ ભારતમાં સુધારા માટે જે સૂચનો આપ્યાં છે. તેમને મોદીએ સાંભળ્યા અને સ્વીકાર્યું છે કે સુધારો દેખાવા લાગશે તો અમેરિકન કંપનીઓ ત્યાં સારું કામ કરી શકશે.
• બિઝનેસ ટાઇકૂન માઇકલ બ્લૂમબર્ગે પણ મોદી સાથે મુલાકાત બાદ ટ્વિટ કર્યું હતું કે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ભારત અને દુનિયાને બદલી રહ્યું છે. તેઓ આ માર્ગને વળગી રહે.

રોકાણ માટે વોલ સ્ટ્રીટ ઉત્સુક

વોલ સ્ટ્રીટની કંપનીઓના સીઈઓ દ્વારા ભારતની ઉભરતી કંપનીઓમાં મૂડીરોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે વડા પ્રધાન મોદીએ આ કંપનીઓને ખાનગી અને જાહેર સેક્ટરની જેમ ‘પર્સનલ સેક્ટર’ તરીકે ગણાવી હતી. વડા પ્રધાન મોદીએ ગયા ગુરુવારે અમેરિકાના ફાઈનાન્સિયલ સેક્ટરના ટોચના સીઈઓની ગોળમેજી બેઠકની અધ્યક્ષતા કરી હતી. સીઈઓએ ભારતની ઉભરતી કંપનીઓમાં રસ દર્શાવ્યો હતો.

સિલિકોન વેલીનું સમર્થન

ગૂગલ ૫૦૦ રેલવે સ્ટેશનો પર વાઇ-ફાઇ લાવશેઃ ગૂગલ ભારતનાં ૫૦૦ રેલવે સ્ટેશનોને વાઇ-ફાઇથી સજ્જ કરવા મદદ કરશે. વડા પ્રધાને જણાવ્યું કે અમે જાહેર વાઇ-ફાઇ સ્પોટ વિસ્તારી રહ્યા છીએ. વાઇ-ફાઇ એરપોર્ટની લોન્જ સુધી જ સીમિત નહીં રહે.
માઇક્રોસોફ્ટ પાંચ લાખ ગામોમાં નેટ પહોંચાડશેઃ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ જણાવ્યું કે ભારતનાં પાંચ લાખ ગામોમાં સસ્તું ઇન્ટરનેટ પહોંચાડવાની યોજનામાં મદદ કરશે. કંપની પાંચ લાખ ગામોમાં ઓછા ખર્ચે બ્રોડબેન્ડ ટેક્નોલોજી પહોંચાડશે.
ક્વોલકોમ ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરશેઃ ક્વોલકોમના સીઈઓ પોલ જેકબ્સે જણાવ્યું કે કંપની ભારતમાં ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે. કંપની પ્રોડક્ટ ઇનોવેશન માટેના ડિઝાઇનહાઉસ ભારતમાં સ્થાપિત કરશે.
એપલ ઉત્પાદનકેન્દ્રો સ્થાપિત કરશેઃ વડા પ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ એપલના સીઇઓ ટીમ કુકે જણાવ્યું કે તેમની કંપની ભારતમાં ઉત્પાદનકેન્દ્રો સ્થાપશે. મોદીએ ટીમ કુકને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter